બારડોલીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
બારડોલી અને આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
બારડોલી અને આસપાસના વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાની મુખ્ય જગ્યાઓમાં ધામડોદ લુંભા ગામ પંચાયત હદ વિસ્તાર, શિવ શક્તિ સોસાયટી, કાછીયા સમાજની વાડી, ડી.એમ. નગર, એમ.એન.પાર્કમાં ફાયર વિભાગની મદદ લેવી પડી છે. શિવ શક્તિ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાને કારણે ફસાયેલા રહીશોની મદદ માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને રાહત આપી હતી.
પાણી ભરાવાની સમસ્યાના કારણે રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા અતિક્રમણ અને ખાડી-કોતરો પરના દબાણને કારણે આ સમસ્યા ઉભી થઈ છે. ધામડોદ લુંભા ગામ બારડોલી નગરથી અડીને આવેલું હોવાથી આ અસર વધુ જોવા મળી રહી છે. હાલ લોકોએ તંત્ર ઉપર ફિટકાર વરસાવ્યો છે અને આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે.