વલસાડમાં મેઘરાજા કહેર બનીને વરસ્યા.
જિલ્લાના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી.
ડિઝાસ્ટર મામલતદાર કચેરી ખાતે મળી હાઈ લેવલ બેઠક
ગુજરાતભરમાં લાંબી રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર વાતાવરણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળના ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે રેલવે બ્રિજ પર પાણીનું સ્તર વધી જતાં રેલ વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. જેના કારણે 23 જુલાઈ 2026ના રોજ વંદે ભારત, કર્ણાવતી અને ડબલડેકર સહિતની મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થવાને કારણે રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકાઓમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. પારડી, વાંસદા, વાપી અને ખેરગામ જેવા વિસ્તારોમાં પણ 8 થી 9 ઇંચ સુધી વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. બીજી તરફ, સુરત, તાપી, ડાંગ અને દમણ પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેવાની સંભાવના સાથે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.
સુરત, બારડોલી, ધરમપુર અને ઉમરગામમાં ૫ થી ૭ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જોકે, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હજુ સુધી માત્ર હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળ હેઠળ આવતા ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર વધી જવાના કારણે આ રેલખંડ પર સાવચેતીના ભાગરૂપે ટ્રેન વ્યવહાર અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યો છે. જેને લીધે કેટલીક ટ્રેનો પર અસર પડી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
