ભૂવાસણમાં ફેક્ટરી પ્રદૂષણ મુદ્દે ગ્રામજનોમાં ભારે આક્રોશ
તરભોણ પાટિયા વિસ્તારની ફેક્ટરીઓ બંધ કરવાની ઉઠી માંગ
ગેરકાયદેસર બાંધકામ અને પ્રદૂષણ સામે 10 ગામોના લોકો એક થયા
ભૂવાસણ હોલ ખાતે ગ્રામજનોની વિશાળ બેઠક યોજાઈ
બારડોલી: બારડોલી તાલુકાના ભૂવાસણ ગામની સીમમાં તરભોણ પાટિયા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા થતા વ્યાપક પ્રદૂષણ અને ગેરકાયદેસર બાંધકામના મુદ્દે આજુબાજુના લગભગ દસ ગામોના ગ્રામજનોએ ભૂવાસણ હોલ ખાતે મોટી બેઠક યોજી હતી.
બેઠકમાં ફેક્ટરી માલિકો, ભૂવાસણ ગામના સરપંચ, તલાટી, બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ફેક્ટરીઓ વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે ફેક્ટરીઓએ આડેધડ બાંધકામ કરીને પાણીના કોતરો પૂરી દીધા છે, જેનાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાઈ રહ્યો છે. ઉપરાંત, ફેક્ટરીઓમાં પ્લાસ્ટિકના કચરાને બાળવામાં આવતો હોવાના પુરાવા સાથે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે આ તમામ ફેક્ટરીઓ બંધ કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ ફેક્ટરીઓની મુલાકાત લઈને ત્યાં જમા થયેલા ગંદકીના ઢગલા અને પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો જોયો હોવાનું જણાવ્યું હતું. ફેક્ટરી માલિકોએ પોતાના બચાવમાં કહ્યું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી વેસ્ટ (RDF) સળગાવવાની પરવાનગી મેળવેલી છે. જોકે, આ વાતથી ગ્રામજનો સંતુષ્ટ નથી અને તેઓ માને છે કે આ પરવાનગીનો દુરુપયોગ થઈ રહ્યો છે. બેઠકમાં ગ્રામજનોએ નિર્ણય કર્યો હતો કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉપરી અધિકારીઓને લેખિત ફરિયાદ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
તમામ ગામોમાં આવી મિલોને પરવાનગી ન આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. ફેક્ટરીઓને કારણે વાયુ, જળ અને જમીન પ્રદૂષણની સમસ્યા વધી રહી છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા, પરંતુ તેઓ ન આવતા લોકોમાં વધુ આક્રોશ વ્યક્ત થયો હતો….
