વડોદરામાં લાગ્યા બેનર – ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો ?

Featured Video Play Icon
Spread the love

વડોદરામાં લાગ્યા બેનર – ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો ?
વોર્ડ 18 માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલનું નિવેદન.
ચૂંટણીમાં સ્થાનિક કાર્યકરોને જ તક મળવી જોઈએ.
બહારથી કોઈ ઉમેદવાર આવે તો વિરોધ કરવા કાર્યકરોને આપી સૂચના.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગતાની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે મોટું ઘમસાણ શરૂ થયું છે. માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ નંબર 18 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ પક્ષના મોવડીમંડળ સામે પડકાર ફેંકીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો પક્ષ દ્વારા કોઈ ‘બહારની વ્યક્તિ’ ને માંજલપુર કે વોર્ડમાં ટિકિટ આપવામાં આવશે, તો તેનો સખત વિરોધ કરવામાં આવશે. તેમણે નામ લીધા વગર કેટલાક નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાઈ, તારા વિસ્તારમાં લડ ને, અહીં શું કામ છે? અહીં અમારી પાસે સક્ષમ કાર્યકરો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષોથી પક્ષ માટે મહેનત કરનારા અને બસો ભરીને કાર્યક્રમોમાં પહોંચાડનારા સ્થાનિક કાર્યકરોનો જ ટિકિટ પર પ્રથમ હક છે. ચૂંટણી પહેલા ભાજપમાં ઉઠેલો આ વિરોધનો સૂર પક્ષ માટે મુશ્કેલી સર્જી શકે છે. શું હાઈકમાન્ડ યોગેશ પટેલની વાત માનશે કે પછી શિસ્તના નામે કડક હાથે કામ લેશે ?

એક તરફ યોગેશ પટેલના તેવર છે, તો બીજી તરફ વડોદરાના પોશ વિસ્તાર ગણાતા વાસણા-ભાયલી રોડ અને નિલંબર સર્કલ પાસે વિવાદિત બેનરો લાગ્યા છે. આ બેનરોમાં લખાયું છે કે, “સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો ? બેનરોમાં હેશટેગ #પ્રો_મોદી અને #બીજેપી_વિરોધી લખીને ગૂંચવણ ઊભી કરવામાં આવી છે. આ બેનરોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, મોદીજીનું કામ દેશ ચલાવવાનું છે, તમારો વિસ્તાર ચલાવવાનું નહીં. આ પોસ્ટરોમાં પાટીદાર કાર્ડ પણ ખેલવામાં આવ્યું છે. “પટેલ ઉમેદવારને સ્થાન આપો, જય સરદાર-જય પાટીદાર” ના લખાણોએ શહેરના રાજકારણમાં નવી ચર્ચા છેડી છે.ભાજપના જ ગઢ ગણાતા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો કોણે લગાવ્યા તે અત્યારે પોલીસ અને પક્ષ માટે તપાસનો વિષય બન્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *