ઉચ્છલ તાલુકામાં જાતિના દાખલા મુદ્દે વહીવટી તંત્રની ઘોર બેદરકારી
વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ જોખમમાં
ઉચ્છલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે આવતા અરજદારો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના તલાટી-કમ મંત્રીઓ દ્વારા જાતિના દાખલાના ફોર્મ પર સહી કરવામાં ધરાર મનાઈ ફરમાવવામાં આવતા, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
હાલમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે અને વિવિધ શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તેજ બની છે. આ પ્રવેશ પ્રક્રિયામાં જાતિનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે. જોકે, તલાટીઓ દ્વારા અરજીઓ પર હસ્તાક્ષર કરવામાં વિલંબ કે ઈનકાર કરવામાં આવતા, વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ મેળવવાથી વંચિત રહી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી હાલ અધ્ધરતાલ થઈ ગઈ છે, અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે ભુપેન્દ્રભાઈ વસાવા અને અર્જુનભાઈ ગામીત સહિતના જાગૃત નાગરિકોએ ઉચ્છલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી છે કે, તલાટી-કમ મંત્રીઓ કયા કારણોસર સહી નથી કરી રહ્યા તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ. જો કોઈ ઉપરી અધિકારીની મૌખિક કે લેખિત સૂચનાના આધારે આ કામગીરી અટકાવવામાં આવી હોય, તો તેનું કારણ પણ વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવું જોઈએ. સ્થાનિક રહીશોના મતે, સરકાર એક તરફ ‘ડિજિટલ ઈન્ડિયા’ અને સુશાસનની વાતો કરે છે, તો બીજી તરફ પાયાના સ્તરે તલાટી કક્ષાએ અરજદારોને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની વહીવટી અણઘડતાને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોએ ભોગ બનવું પડી રહ્યું છે..
