સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂત સંમેલન
765 કે.વી.વીજ ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોનું સંમેલન
ખેડૂતોને અંધારામાં રાખીને ઓછું વળતર ચૂકવવાની ગંદી નીતિને વખોડી
સુરત જિલ્લાના ગલતેશ્વર મંદિર ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ 765 કે.વી.વીજ ટ્રાન્સમિશન લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોના સમર્થનમાં ખેડૂતોની હજારોની સંખ્યામાં ખેડૂત સંમેલન મળ્યું હતું.
સુરત જિલ્લાના ગલતેશ્વર મંદિર ખાતે ખેડૂતોના સમર્થનમાં સંમેલનમાં મોટી સંખ્યામાં સહકારી, શૈક્ષણિક, સમાજિક તેમજ તબીબી આગેવાનો હાજર રહ્યા હતા. સૌ આગેવાનોએ પાવરગ્રીડની લેખિતમાં વળતરની વિગત આપવા છતાં ચોરી છૂપીથી ખેડૂતોને અંધારામાં રાખીને ઓછું વળતર ચૂકવવાની ગંદી નીતિને વખોડી કાઢી હતી. આગેવાનોએ એકસુરે જણાવ્યું હતું કે આ ખેડૂતો એકલા નથી અમે સૌ એમના સમર્થનમાં છીએ અને એના માટે જેલમાં જવું પડે તો પણ અમે એના માટે તૈયાર છે. બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે દુઃખ સાથે કહેવું પડે કે સરકાર કોઈ પણ પક્ષની હોય, કોઈ સરકાર ખેડૂતોની થતી નથી. હસુભાઈએ જણાવ્યું હતું કે ખેડૂત સમાજ એ દયારામકાકા, મગન ઝીણા જેવા ધુરંધર આગેવાનોએ સ્થાપેલું ખેડૂતોના હિતોની રક્ષા કરતું સંગઠ્ઠન છે અને કોઈ પણ સરકાર સામે ખેડૂતોની સાથે અન્યાય સામે લડવું એ એની પ્રકૃતિ છે. રમેશભાઈએ(ઓરમા) કહ્યું હતું કે કળિયુગમાં સંગઠન એજ શક્તિ છે, માટે સંગઠિત રહેશું તો ચોક્કસ સફળ થઈશું. દર્શનભાઈએ પણ ખેડૂતોને આહવાન કર્યું હતું કે નાગરિક તરીકે તમારે જેને મત આપવો હોય એને આપો પરંતુ જ્યારે ખેડૂતો પર આફત આવે છે ત્યારે સૌએ સાથે મળી લડત આપવી એજ એક વિકલ્પ છે. પરિમલ પટેલે હજારોની સંખ્યામાં હાજર મહિલાઓની હાજરીને વધાવી લીધી હતી તેમજ સૌ બહેનોને ટૂંક સમયમાં યોજાનાર પદયાત્રામાં ભાગ લેવા ટહેલ નાખી હતી.
ગત 22 જુલાઈએ પ્રશાસને ખેડૂતોને વિશ્વાસમાં લઈ પદયાત્રા મોકૂફ રાખવા આગ્રહ કરતા ખેડૂતોએ ઘર્ષણ કરવાનું ટાળી સરકાર પર વિશ્વાસ રાખી પદયાત્રા મોકૂફ રાખી હતી, પરંતુ એક મહિનો વીતી જવા છતાં કોઈ નિકાલ નહીં આવતા ખેડૂતોને કોઈ રાજકીય રમત ચાલી રહી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. પરિમલભાઈએ જાહેર કર્યું હતું કે જો કોઈપણ રાજકીય રમત રમીને ખેડૂતોને અન્યાય કરવાની ચેષ્ટા કરવામાં આવશે તો ખેડૂત સમાજ એને ચાલવી લેશે નહીં. એમનું એમ પણ કહેવું હતું કે ખેડૂત સમાજ રાજકારણ કરતો નથી પરંતુ જો રાજકીય લડત ચલાવવી પડે તો પણ ખેડૂત સમાજ પાછીપાની કરશે નહીં
