સુરત લસકાણામાં ડુપ્લિકેટ સાબુના વેચાણનો પર્દાફાશ
બે ઈસમો ઝડપાયા, પોલીસે 2 હજાર જેટલા સાબુના બોક્સ જપ્ત કર્યા
સુરતના લસકાણા વિસ્તારમાં ઘર શોપ આયુર્વેદા અને સાયન્સ મેજીક શોપ કંપનીના નામે ડુપ્લિકેટ સાબુનું વેચાણ કરતા બે ઈસમોને લસકાણા પોલીસે ઝડપી પાડ્યા હતાં. અને પોલીસે 2 હજાર જેટલા સાબુના બોક્સ કબ્જે કર્યા હતાં.
લસકાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે ગઢપુર રોડ પર એનસી ઠક્કર સ્કૂલ સામે આવેલા સહજાનંદ હબના ઓફિસ નંબર 104માંથી ડુપ્લિકેટ સાબુનું વેચાણ કરાઈ રહ્યું છે. જે બાતમીના આધારે લસકાણા પોલીસે પંચોની હાજરીમાં દરોડા પાડ્યા હતાં.દરોડા દરમિયાન ચીરાગ નાગજીભાઈ રંગાણી અને દીપક કાળુભાઈ રાદડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ઘર શોપ આયુર્વેદા અને સાયન્સ મેજીક શોપ કંપનીના બનાવટી સાબુનો જથ્થો કબ્જે કર્યો હતો. 2 હજાર બોક્ષ જેટલા ડુપ્લિકેટ સાબુ જપ્ત કરી પોલીસે 2.4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
