બારડોલી રૂરલ પોલીસે નવાપુર ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો
18થી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, ₹7.49 લાખનો મુદ્દામાલ કબજે
સુરત ગ્રામ્યમાં વાહન ચોરી, સોલાર કેબલ અને બેટરી ચોરીના ગુનાઓને અંજામ આપતી નવાપુર ગેંગ સામે બારડોલી રૂરલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર અંતુ ઉર્ફે પીન્ટુદાદા ગાવીતને મોતા ગામ પાસેથી ઝડપી પાડ્યો છે આરોપી અને તેના સાગરીતો સુરત અને તાપી જિલ્લામાં ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપતા હતા. આરોપી પાસેથી કુલ ₹7.49 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બારડોલી રૂરલ પોલીસને છેલ્લા એક વર્ષથી સોલાર પ્લાન્ટમાંથી કેબલ અને બેટરી ચોરીની ફરિયાદો મળી રહી હતી. જેના પગલે પોલીસે ચોરીના સ્થળોની મુલાકાત લઈ CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે મોતા ગામના ખાનપુર નાળા પાસેથી અંતુ ઉર્ફે પીન્ટુદાદા ગાવીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી નવાપુર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તેની પાસેથી સોલાર કેબલ તથા તાંબાના ભંગાર સહિત 249 કિલો માલ, 6 બેટરી, 3 મોટરસાઇકલ અને એક સ્વિફ્ટ કાર મળી આવી છે. આ ઉપરાંત રોકડ રકમ, મોબાઇલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ ₹7,49,300નો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે બારડોલી રૂરલ અને કામરેજના કુલ 8 ગુનાઓ શોધી કાઢ્યા છે, જ્યારે તાપીના વ્યારા અને વાલોડના વધુ ત્રણ ગુનાઓમાં આરોપીની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.
બારડોલી રૂરલ પોલીસની કાર્યવાહીમાં સુરત અને તાપી જિલ્લામાં સક્રિય હોવાની પોલીસ દ્વારા જણાવાયેલી નવાપુર ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 18થી વધુ ચોરીના ગુનાઓ અંગે તપાસ આગળ ધપાવી છે અને કુલ ₹7.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ગેંગના અન્ય સાગરીતો અને વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે
