ઉચ્છલના નુરાબાદ ગામની બદહાલી
આઝાદીના દાયકાઓ પછી પણ ગ્રામજનો કાદવ-કીચડ
આ રસ્તો છે કે નરકનું દ્વાર ?
વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાંકરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા નુરાબાદ ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અહીં રસ્તાના નામે માત્ર પથ્થરો, કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય છે. આ એ જ રસ્તો છે જ્યાં ગામની પ્રાથમિક શાળા આવેલી છે. સવાલ એ છે કે શું તંત્રના અધિકારીઓ ક્યારેય એરકન્ડિશન ગાડીઓમાંથી ઉતરીને આ નરક સમાન રસ્તાની મુલાકાત લેશે ખરા ?
વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાંકરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા નુરાબાદ ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે, જે રસ્તેથી નાના ભૂલકાઓ શાળાએ જાય છે, ત્યાં ડામર કે બ્લોકનું નામનિશાન નથી. માત્ર મોટા પથ્થરો અને માટીના ઢગલા જ જોવા મળે છે. રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડાઓમાં ગંદુ પાણી ભરાયેલું છે. રસ્તો એટલો લપસણો છે કે અહીંથી ચાલીને પસાર થવું પણ મોતને વહાલું કરવા સમાન છે. કાદવ-કીચડના કારણે બીમારીના સમયે 108 કે એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી શકતી નથી. શું કોઈનો જીવ જશે ત્યારે જ તંત્ર જાગશે ? સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો બંધ થઈ જાય છે, જેના કારણે ગ્રામજનો મુખ્ય શહેર કે સુવિધાઓથી વંચિત રહી જાય છે. ઉચ્છલનું સ્થાનિક તંત્ર અને પંચાયત કયા ‘વિકાસ’ના નશામાં ચૂર છે કે તેમને આ રસ્તો દેખાતો નથી ? ટ્રાઈબલ વિસ્તારના વિકાસ માટે આવતી ગ્રાન્ટ કયા ખાડામાં જાય છે ? શું નુરાબાદ ગામના બાળકોને સુરક્ષિત રસ્તે શાળાએ જવાનો અધિકાર નથી ? નુરાબાદ ગામની આ સ્થિતિ ટ્રાઈબલ વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવનો જીવતો જાગતો પુરાવો છે. જો તાત્કાલિક ધોરણે પાકો રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ગ્રામજનોમાં રોષ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર આ ‘કાદવ’ સાફ કરશે કે પછી ‘જેસે થે’ની સ્થિતિમાં જ જનતાને રિબાવવા છોડી દેશે ?
