ખેડૂતોના નુકશાન મુદ્દે ગીર સોમનાથમાં કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર.
ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય અને દેવા માફીની કોંગ્રેસે કરી માગ.
સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો વિરોધમાં મેદાને ઉતરવા કોંગ્રેસનું એલાન
ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કોંગ્રેસે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પદયાત્રા કરીને પ્રાંત કચેરી પહોંચ્યું હતું. ત્યાં પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ખેડૂતોએ “ખેડૂતોને ન્યાય આપો” અને “જય જવાન – જય કિસાન” જેવા નારા લગાવ્યા હતા. ચાલુ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ અને ઘાસચારા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. અનેક ખેડૂતોના પાક અને ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેના પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. હાલ તંત્ર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે, અને ખેડૂતો તરફથી અનેક વિસ્તારોમાંથી ફરિયાદો મળી રહી છે. તેથી, સરકારે સામાન્ય સર્વેને બદલે તમામ ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે
ધારાસભ્યએ સરકારને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી હતી. તેમણે ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા અને પાક વીમો તરત જ શરૂ કરવાની પણ રજૂઆત કરી હતી. વધુમાં, ધારાસભ્યએ જણાવ્યું હતું કે સોમનાથ વિસ્તારના સાગરખેડૂત ભાઈઓને પણ કમોસમી વરસાદના કારણે ભારે આર્થિક નુકસાન થયું છે. વારંવાર પડતા વરસાદને કારણે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને પરત બોલાવવી પડે છે, જેનાથી માછીમારોને મોટું નુકસાન થયું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
