ગુજરાતના ખેડૂતને એક વિઘા જમીન ઉપર 15 થી લઈને 28 હજાર સુધીનો ખર્ચ
ખેડૂતોના ખર્ચને આધારે સરકાર જાહેરાત કરે તે જરૂરી છે
ગુજરાતના તમામ ખેડૂતોએ લોન નથી લીધી
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કિસાન સંઘે સરકાર સમક્ષ યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડેલા અતિરિક્ત વરસાદથી કપાસ, મગફળી, તલ અને ધાન જેવા પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘણા ખેડૂતોના પાક બરબાદ થયા છે. આ પરિસ્થિતિને લઈ કિસાન સંઘે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માગ કરી છે. સંઘના નેતા આર.કે. પટેલે કહ્યું કે દેવા માફી નહીં, પરંતુ દરેક ખેડૂતોને તેમના વાસ્તવિક ખર્ચના આધારે ન્યાયપૂર્ણ વળતર આપવું જરૂરી છે. ખાસ કરીને નાના અને લોન વિના ખેતી કરતા ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકારે અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ. કિસાન સંઘે આંકડા રજૂ કરતાં જણાવ્યું કે, હાલમાં ખેડૂતો એક વીઘા જમીન પર 15 થી 28 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. તેમાં બીજ, ખાતર, જંતુનાશક, મજૂરી અને સિંચાઈનો ખર્ચ સામેલ છે. પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે પાક બરબાદ થતાં ખેડૂતોને ભારે આર્થિક આંચકો આવ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસેથી યોગ્ય દરે વળતર મળવાની અપેક્ષા રાખી રહ્યા છે.
ફસલ વીમા યોજના અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે “ફસલ વીમા મરજિયાત કરવાથી રાજ્ય સરકારને આશરે 18 હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થયો છે.” તેમણે ઉમેર્યું કે જો આ યોજનાનો હેતુ ખેડૂતોના હિત માટે હતો, તો તેના લાભો સાચા અર્થમાં ખેડૂતો સુધી પહોંચવા જોઈએ. ફક્ત નીતિગત ફાયદો નહીં પરંતુ વાસ્તવિક સહાય ખેડૂતોને મળવી જરૂરી છે. કિસાન સંઘે અંતમાં સરકારને અપીલ કરી છે કે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે તે સહાયથી વંચિત ન રહે. ખાસ કરીને એવા નાના અને અંત્યોદય વર્ગના ખેડૂત, જેઓ લોન કે વીમા યોજનાના આવરણ બહાર છે, તેઓને પણ વળતર આપવાની વ્યવસ્થા થવી જોઈએ. ખેતરમાં ખેડૂતનો કરેલો દરેક ખર્ચ ગણતરીમાં લઈ સહાયની રકમ નક્કી કરવામાં આવે તો તે જ ખરેખર ન્યાયપૂર્ણ નિર્ણય ગણાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
