તારાપુરમાં ‘લાગણીના વાવેતરમાં સંસ્કાર, સુરક્ષા અને સંસ્કૃતિનો સંગમ
લગ્નમાં 115 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા,
50 હજારથી વધુની જનમેદની ઉમટી
તારાપુર તાલુકાના જીચકા ગામે સુરતના ભરવાડ સમાજના ‘ભામાશા’ વિજયભાઈ ભરવાડના ‘લાગણીના વાવેતર’ એવા શાહી આયોજનમાં દીકરીઓને કરિયાવરમાં 217 વસ્તુઓ સાથે સુરક્ષા માટે ‘હેલ્મેટ’ અને પવિત્ર ‘ગાય’ પણ ભેટ અપાઈ
ગુજરાતના તારાપુર તાલુકાના જીચકા ગામે આજે ‘લાગણીના વાવેતર’ શીર્ષક હેઠળ ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રસંગે ૧૧૫ નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાયા હતા, જેમાં ૪૫ નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજયભાઈ માલાભાઈ ભરવાડ (ગોકુળ ડેવલપર્સ) પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં પરંપરાગત કરિયાવરની સાથે આયોજકો દ્વારા સામાજિક જવાબદારીના દર્શન કરાવતા કેટલાક વિશેષ સંકલ્પો લેવામાં આવ્યા હતા, 50 હજાર થી વધુ લોકોની જનમેદની વચ્ચે ગુજરાતના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોએ હાજરી આપી હતી. ખ્યાતનામ કલાકારો ગોપાલ ભરવાડ, મનીષા ભરવાડ અને મનુબેન ભરવાડે લગ્નગીતોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ ભોકળવા, નીરૂબેન ભરવાડ અને તેમની સમગ્ર ટીમે રાત-દિવસ જહેમત ઉઠાવી હતી
માર્ગ અકસ્માતોથી બચવા અને ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તમામ ૧૧૫ નવયુગલોને ‘હેલ્મેટ’ આપવામાં આવ્યા હતા. દીકરીઓના સુખમય જીવનની સાથે જમાઈઓની સુરક્ષાનો પણ આયોજકોએ ખ્યાલ રાખ્યો હતો. દરેક નવયુગલને પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતા અને ચાંદીના તુલસી અર્પણ કરી આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજની પરંપરાને જાળવી રાખવા માટે દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીની ગાય પણ આપવામાં આવી હતી. નવદંપતીઓને સંસાર શરૂ કરવા માટે ઘરવખરીની ૨૧૭ નાની-મોટી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં ડબલ બેડ, ૩-ડોર કબાટ, સોફા સેટ, ફ્રીઝ, LED TV અને ઘરઘંટી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર આયોજનનો ખર્ચ વિજયભાઈ માલાભાઈ ભરવાડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
