સુરતમાં જૂની અદાવતનો ખાર રાખી હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જૂની અદાવતનો ખાર રાખી હુમલો
બાઈક પર જતા મિત્રોને બેટના ફટકા મારી માથું ફોડ્યું
આરોપીએ યુવકના માથા પર ઉપરાછાપરી બેટના અન્ય 7 ઘા ઝીંક્યા
યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં મિત્રતા અને અદાવતની ભેદ રેખા ભૂંસતી એક ઘટના સામે આવી છે. જુની અદાવતનો ખાર રાખી ચાલુ બાઇક પર પસાર થઈ રહેલા મિત્રને બેટનો ફટકો મારી નીચે પાડી દીધો હતોઆટલેથી ના અટકતા આરોપીએ યુવકના માથા પર ઉપરાછાપરી બેટના અન્ય 7 ઘા ઝીંક્યા હતા. જો કે, યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો.

સુરતના અંબાજીના ખાંચા પાસે આવેલા સુવર્ણ પેલેસ નજીક રાત્રિના સવા દસ વાગ્યાના સુમારે ફરિયાદી રાહુલ દિલીપભાઈ નિમન પોતાના મિત્ર ભદ્રેશ શાકલે સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી એક બાઈક પર બે લોકો આવ્યા હતા. જેમાંથી એક યુવક જેનું નામ પંકજ બગા હોવાનું સામે આવ્યું છે, તેણે સહેજ પણ ખચકાયા વિના પોતાની ગાડી પરથી નીચે ઉતરીને પોતાના હાથમાં રહેલા ક્રિકેટ બેટ વડે સામેથી બાઈક પર આવી રહેલા રાહુલના માથા પર જોરદાર ફટકો માર્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી રાહુલ ગભરાઈને બેલન્સ ગુમાવી બેસ્યો અને મિત્ર સાથે બાઈક પરથી જમીન પર પટકાયો. આટલેથી ન અટકતા પંકજ બગાએ નીચે પડેલા રાહુલ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. નીચે પડ્યા બાદ પણ રાહુલ પર આરોપી એક પછી એક બેટના ફટકાઓ મારતો જ રહ્યો. પંકજે ઉપરાછાપરી સાત ફટકા માર્યા, પરંતુ રાહુલના માથા પર હેલ્મેટ હોવાથી તેનો જીવ બચી ગયો, પરંતુ હુમલાખોરોનો ગુસ્સો શાંત થયો નહીં. જ્યારે રાહુલ હેલ્મેટ ઉતારીને પોતાની સ્થિતિ સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે જ પંકજે ફરીથી બેટ ઉગામીને તેના માથા પર એક જોરદાર ફટકો માર્યો હતો. આ ફટકો સીધો માથા પર વાગતા રાહુલ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. રાહુલને કુલ આઠ ફટકા મારવામાં આવ્યા હતા. આ દરમિયાન, રાહુલના મિત્ર ભદ્રેશને પણ માર મારવામાં આવ્યો હતો. આ હુમલા પાછળનું કારણ એક નજીવી બાબત હોવાનું સામે આવ્યું છે. રાહુલ દિલીપભાઈ નિમનની ફરિયાદ મુજબ, 17 સપ્ટેમ્બર રાત્રે તેઓ તેમના જુના ઘર પાસે એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે આરોપી પંકજ બગા, સુમિત બગા અને ગોપાલ બગા ત્યાં આવ્યા. મહિલા સાથે વાત કરવા બાબતે પંકજે ગાળાગાળી કરી અને ઝઘડો શરૂ કર્યો. સુમિત અને ગોપાલે રાહુલને પકડી રાખ્યો, જ્યારે પંકજે તેને ફટકો માર્યો હતો. સુમિતે રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ, આરોપી પક્ષનું કહેવું છે કે, આ હુમલા પહેલા રાહુલે પંકજના ભાઈને માર માર્યો હતો, જેના કારણે આ ઘટના બની હતી. બંને પક્ષોએ સામ-સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ક્રોસ ફરિયાદો નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે ફરિયાદમાં સામાન્ય મારામારીનો ગુનો નોંધ્યો છે. જ્યારે સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો, ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલી વિગતોનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *