સુરતમાં ફરી એક નસેડીએ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો
લજામણી ચોક પાસે દારૂના નશામાં ધુત્ત ચાલકે ડિવાઈડર કૂદાવી
બે કારને જોરદાર ટક્કર મારતા ભારે અફરાતફરી મચી
સુરતમાં ફરી એક નસેડીએ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના બની છે. ઉત્રાણ પોલીસ મથકની હદમાં લજામણી ચોક પાસે દારૂના નશામાં ધુત્ત ચાલકે ડિવાઈડર કૂદાવી બે કારને જોરદાર ટક્કર મારતા ભારે અફરાતફરી મચી હતી.
સુરતના લજામણી ચાર રસ્તા પાસે સનરાઈઝ કોમ્પ્લેક્સ પાછળ દારૂના નશામાં ધુત્ત કાર ચાલક સાગર જયંતિભાઈ તાળાએ બેફામ રીતે કાર હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આરોપીએ ડિવાઈડર કૂદાવી બંધ પડેલી અને આગળ ઉભેલી બે કારને જોરદાર ટક્કર મારતા બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી રંગેહાથ ઝડપી ઉત્રાણ પોલીસને સોંપી દીધો હતો. તપાસ દરમિયાન કારમાંથી કાચના ગ્લાસ પણ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે ચાલક કારમાં જ મહેફિલ માણી રહ્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. હાલ ઉત્રાણ પોલીસે આરોપી સાગર તાળા સામે ગુનો નોંધી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
