ડાકોરના રણછોડજી મંદિરના પૂજારીનો ધૂણતો વીડિયો.
પોલીસ ગોર તરીકે ઓળખ આપનારા વિષ્ણુપ્રસાદ સેવકનો વીડિયો.
ઘરે જ ધૂણીને લોકોના કામ કર્યાનો કરે છે દાવો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના એક પૂજારીનો ધૂણતો અને પોતે પોલીસ અધિકારીઓની બદલી કરાવી શકે તેવા દાવા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. પોતાની ઓળખ ‘પોલીસ ગોર’ તરીકે આપનાર આ પૂજારીનું નામ વિષ્ણુપ્રસાદ સેવક છે. વીડિયોમાં તે પોતાના ઘરે ધૂણતા જોવા મળે છે અને તે દાવો કરે છે કે તેમણે અનેક લોકોના કામની સાથે પોલીસ અધિકારીઓની પણ બદલીઓ કરાવી દીધી છે. જોકે વીડિયો વાઈરલ થયા બાદ માફી માગી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના એક પૂજારીનો ધૂણતો હોવાના વાઈરલ વીડિયોમાં સેવક મહાશય સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે, ‘એક પીએસઆઈનું કામ કર્યું છે, હાલ તેને ખૂબ સુખ શાંતિ છે. પીએસઆઈ મારી પાસે આવીને રડ્યો હતો. આ પીએસઆઈને રૂલર પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજી (SOG)માં મૂકી આપ્યો હતો. મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્કોડમાં મુકાવાની વાત કરી હતી જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત પણ એની તાકાત ન હતી.’ ડાકોરના આ પૂજારી મંદિર ખાતે હંમેશા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. રણછોડજી મંદિરના સેવક આ રીતે ઘરે ધૂણતા હોય અને આ પ્રકારની વાતો કરતા હોય તેવો વીડિયો વાઈરલ થતાં શ્રદ્ધાળુઓ અને લોકોમાં અચરજ ફેલાયું છે. આ મામલે વિવાદ વધતાં પૂજારી વિષ્ણુપ્રસાદ સેવકે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘હું તો મંદિરનો પૂજારી છું. હું કોઈ ભુવો નથી. મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ રૂપિયા લીધા નથી. હું તો માત્ર 10 ચોપડી ભણેલો છું, હું કોઈની બદલી કેવી રીતે કરાવી શકું?’ આ વીડિયોએ પોલીસ અને વહીવટી તંત્રમાં પણ ચર્ચા જગાવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
