સુરતમાં રખડતા કુતરાઓનો કહેર
સૈયદપુરામાં રખડતા કુતરાઓના હુમલામાં યુવાન મોતને ભેટ્યો
રખડતા કુતરાઓના આતંકે લીધો વધુ એક જીવ
સુરત પાલિકા સામે રોષ કુતરાઓના આતંકે યુવાનનો ભોગ લીધો
સુરતમાં રખડતા કુતરાઓના કારણ વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. સુરતના સૈયદપુરા ખાતે રહેતા યુવાન પાછળ રખડતા કુતરાઓ પડતા તે જીવ બચાવી ભાગતા પટકાયો હતો જેને લઈ તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું. જેથી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં વારંવાર રખડતા કુતરાઓનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે સુરતના સુરત મહાનગર પાલિકાનાં સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સૈયદપુરા ટુંકી હોડી બંગલા પાસે આવેલ ભંડારીવાડમાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક 38 વર્ષિય યુવાન ઈબ્રાહીમ ઉર્ફે એજાજ એહમદ અન્સારી પાછળ હિંસક રખડતા કુતરાઓ પડતા તે યુવાન જીવ બચાવી દોડ્યો હતો જો કે અચાનક યુવાન પડી જતા તેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં યુવાનને બ્રેન હેમરેજ થતા આખરે ગરીબ પરિવારને પોતાના જુવાનજોધ યુવાનને ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલ તો ઘટનાને લઈ સ્થાનિકો દ્વારા સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓ અને શાસકો પર ફીટકાર વરસાવાઈ રહી છે. તો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
