રાજકોટમાં માતાએ બે દીકરી સાથે કર્યો આપઘાત
નવાગામમાં બે દીકરીઓને ગળેફાંસો આપી પોતે કર્યો આપઘાત
શક્તિ સોસાયટીમાં બનેલી ઘટનાથી નવાગામમાં ચકચાર
રાજકોટ શહેરમાં વધુ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસૂમ દીકરીને નાયલોનની દોરી વળે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીની શેરી નંબર 6માં રહેતાં 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરી 7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાની હત્યા નીપજાવી હતી. આ કૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ત્રણેયના મૃતદેહો મળ્યા છે. એક પરિવારના ત્રણ સભ્યનાં કરુણ મોતને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને શોકનું મોજું ફરી વળ્યું હતું. એસીપી રાજેશ બારિયાએ જણાવ્યું હતું કે નવાગામ શક્તિ સોસાયટીમાં જયેશભાઇ સોલંકીના પત્ની તેમજ બાળકો સહિત ત્રણ મૃતદેહ મળ્યા છે. હાલમાં આ બનાવનું કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા બનાવનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. બનાવ સમયે પરિવારની કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૃતક અસ્મિતાબેનના દિયર તુષાર સોલંકીએ જણાવ્યું હતું કે હું તો બહારગામ હતો અને મારે સાઈટ ચાલુ હતી. ત્યાંથી મને ફોન આવ્યો કે અહીં આવો બનાવ બનેલો છે, જેમાં બે છોકરી અને તેની મમ્મીએ પગલું ભરી લીધું છે. મૃતક અસ્મિતાબેન મારાં ભાભી થાય, જોકે આ બનાવના કારણ અંગે અજાણ છું અને આર્થિક સ્થિતિ સહિત કોઈપણ મુશ્કેલી નહોતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો હત્યા અને આપઘાતનો હોવાનું જણાયું છે, જોકે આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે, એ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને આ અંગે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓનાં નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈપણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ, એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મૃત્યુથી નવાગામ વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે……કૌશિક પટેલની રિપોર્ટ હિન્દ ટીવી
