પલસાણામાં 166 કરોડના ખર્ચે નવા 66 KV સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું

Featured Video Play Icon
Spread the love

પલસાણામાં 166 કરોડના ખર્ચે નવા 66 KV સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું
સબસ્ટેશનોનું ઇ-ખાતમુહૂર્ત ઉર્જા મંત્રીના હસ્તે ઇટાળવા ખાતે કરાયું
લોકાર્પણમાં અનેક મહાનુભાવો સહીત ડીજીવીસીએલના કર્મચારીઓ હાજર રહ્યા

પલસાણા નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઇના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, દ્વારા નવનિર્મિત પલસાણા તાલુકાના રૂંગટા ખાતે રૂ.૩૬ કરોડના ખર્ચે નિર્મિત થયેલા ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ તેમજ ચોર્યાસી તાલુકાના રૂ. ૩૭ કરોડના ખર્ચના ખરવાસા-૨, રૂ.૪૬ કરોડના ખર્ચે નિર્મિત થનાર વીલ પાર્ક તેમજ રૂ.૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર જીઆવ-૨ એમ ત્રણ જેટલા ૬૬ કે.વી. સબસ્ટેશનોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧થી ગુજરાતનું સુકાન સંભાળ્યા પછીથી વિકાસની અવિરત યાત્રા ચાલુ રહી છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના દરેક નાગરિકોને ૨૪ કલાક ગુણવત્તાસભર વીજળી મળે તેવા સુદૃઢ આયોજનનો આરંભ કર્યો હતો. તેમના દૃઢ સંકલ્પના પરિણામે આજે ગામડે હોય કે શહેરમાં, દરેક ઘેર સતત વીજળીની ઉપલબ્ધિ થઈ રહી છે. તાજેતરમાં રાજય સરકાર દ્વારા વિજળીના દરમાં ૧.૫ પૈસાનો ઘટાડો થવાથી નાના પરિવારોને આર્થિક રાહત મળી છે, જે લોકોના જીવનસ્તરને સુધારવામાં સહાયક બનશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે સોલાર પોલિસી ઘડીને નવીન ઊર્જા ક્ષેત્રે આગેવાની મેળવી છે, જેના કારણે વીજળી ઉત્પાદનમાં રાજ્ય આત્મનિર્ભર બન્યું છે. હાલ રાજ્યમાં સૌથી વધુ વિજ કનેક્શન માટે અરજીઓ સુરત અને નવસારી જિલ્લામાંથી આવી રહી છે. વિજળી કનેક્શન આપવાની પદ્ધતિને રાજ્ય સરકારે સરળ બનાવી છે, જેના કારણે લોકો ઝડપથી નવા કનેક્શન મેળવી શકે છે અને વિકાસના પ્રવાહ સાથે જોડાઈ શકે છે. આ અવસરે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવા ૬૬ કે.વી. સબસ્ટેશન કાર્યરત થતાં પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેઠાણ તથા કૃષિ કાર્યો સાથે જોડાયેલા અંદાજે ૧૧,૬૦૦થી વધુ લોકોને સીધો લાભ મળશે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી અને સતત વીજળી ઉપલબ્ધ થવાથી ખેતી ઉત્પાદનક્ષમતા વધશે અને સામાન્ય નાગરિકોને પણ ૨૪ કલાક ગુણવત્તાસભર વીજળી પ્રાપ્ત થશે. રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ગામડાઓ સુધી વિજળીની સુવિધા સુલભ બની છે, જે વિકાસયાત્રાને વધુ ગતિ આપી રહી છે. આ અવસરે ધારાસભ્યશ્રી સંદીપભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ચોર્યાસી તાલુકામાં ત્રણ નવા ૬૬ કે.વી. સબસ્ટેશનોના ખાતમુહૂર્ત થવા એ સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે. આ સબસ્ટેશનો કાર્યરત થતા તાલુકાના ગામડાઓ તથા શહેર વિસ્તારને પૂરતી અને અવિરત વીજળી મળી શકશે. કૃષિ કાર્યો માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે, ઉદ્યોગોને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ થવાથી ઉત્પાદન ક્ષમતા વધશે અને ઘરઆંગણે રહેનાર સામાન્ય નાગરિકોને ૨૪ કલાક વીજળી પ્રાપ્ત થવાથી જીવનની ગુણવત્તામાં સુધારો થશે.રાજ્ય સરકારના સુચિંતિત આયોજનના કારણે આજે તાલુકો ઊર્જા ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યો છે, જે આગામી સમયમાં ચોર્યાસી તાલુકાને વિકાસના નવા શિખરો પર પહોંચાડશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ. મહામંત્રી જીગરભાઈ નાયક. પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ. જેટકોના મેનેજિગ ડાયરેક્ટરશ્રી ઉપેન્દ્ર પાંડે, જેટકોના અધિક્ષક ઇજનેર શ્રી પી.એન.પટેલ અને ડીજીવીસીએલના કર્મચારીઓ, વિવિધ સબ સ્ટેશનના અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *