ભાવનગર રેન્જઆઈજીઓફિસની મુલાકાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય
રેન્જ આઈજીઓફિસના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે પહોંચ્યા ડીજીપી
આઈજી ઓફિસમાં ડીજીપીએ 16 અરજદારોને સાંભળ્યા
રાજ્યના ડીજીપી વિકાસ સહાય વાર્ષિક ઇન્સ્પેક્શન માટે ભાવનગર પહોંચ્યા હતા. તેમણે રેન્જ આઈજી કચેરી ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યના ડીજીપી વિકાસ સહાય વાર્ષિક ઇન્સ્પેક્શન માટે ભાવનગર પહોંચ્યા જ્યાં બેઠકમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના એસપી તેમજ રેન્જ આઈજી ગૌતમ પરમાર હાજર રહ્યા હતા. ડીજીપીએ ત્રણેય જિલ્લાના પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે કોઈપણ અરજદારની રજૂઆતનું તાત્કાલિક, અસરકારક અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. સમીક્ષા બેઠક બાદ ડીજીપીએ 16 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા. અરજદારોએ વિવિધ ફરિયાદો રજૂ કરી હતી. કેટલાક અરજદારોએ પોલીસ વિરુદ્ધ પણ તોડ કરવાની ફરિયાદ કરી હતી. ડીજીપીને ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં અરજદારોની લાઈન લાગી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ સારી છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે અસામાજિક તત્વો અને ખુલ્લેઆમ ગુંડાગર્દીના કિસ્સાઓ વધી રહ્યા છે.
રાજ્યના ડીજીપી વિકાસ સહાયએ પરિસ્થિતિને કંટ્રોલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભાવનગરમાં કથળી ચૂકેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે ડીજીપીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
