સુરતમાં ફાયરિંગ કરી જ્વેલર્સની હત્યા
સચિન વિસ્તારમાં રિવોલ્વર સાથે ચાર લૂંટારા ત્રાટક્યા
એક લૂંટારો ઝડપાઈ જતાં લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો
સુરતના સચીન વિસ્તારમાં મોડી સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં જ્વેલર્સમાં ઘુસેલા લુંટારૂઓએ લુંટનો પ્રયાસ કરી દુકાનદાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા દુકાનદારનુ મોત નિપજ્યુ હતું. તો ભાગી રહેલા ચાર લુંટારૂઓમાંથી એકને લોકોએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી છે. સોમવારે રાત્રિના સાડાઆઠથી પોણાનવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર દુકાનદાર અશ્વિન રાજપરાએ પ્રતિકાર કરતાં એક લૂંટારાએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી ચારેય લૂંટારા ભાગ્યા હતા, જોકે એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા ત્રણ લૂંટારાની શોધખોળ હાથ ધરાઈ છે. અશ્વિન રાજપરાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
