રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર.
છાશ વિતરણ બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર.
10 બાળકો ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ.
રાજકોટ શહેરમાં 17 એપ્રિલની મોડીરાત્રિના ફૂડ-પોઇઝિંગની ઘટના સામે આવી છે. ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગતા અંદાજિત 25થી વધુ બાળકોને ફૂડ-પોઈઝનિંગ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને આઈસીયુ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના રામનાથ પરા પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. આ વિસ્તારનાં બાળકોએ એ છાશ પીધા બાદ લગભગ 25થી વધુ બાળકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી હતી અને ઊલટી કરવા લગતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં ભવાનીનગર વિસ્તારના જ રહેવાસી 12થી 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
મોટા ભાગનાં બાળકોની તબિયત સ્થિર હોવાનું, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. ICUમાં દાખલ છે તે બાળકનું નામ જયરાજ હિતેશભાઇ જાડા છે અને તેની ઉંમર 10 વર્ષ છે. તે ભવાનીનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર 5માં રહેતું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જય બાંભણિયા, દીપાલી શિયાળ, નમ્રતા ચૌહાણ, હાર્દિક ભાટી, હસુ ચાવડા, કિશન ચાવડા અને રાજવી પરમાર સહિત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
