સુરતના ડિંડોલી-પાંડેસરા બ્રિજ પર ચોંકાવનારી ઘટના
બ્રિજના રોડ જોઈન્ટ વચ્ચેથી અચાનક આગ
વાહન ચાલકોમાં અફરાતફરી
સુરતના ડિંડોલી-પાંડેસરા બ્રિજ પર રાત્રિના સમયે ચોંકાવનારી ઘટના બની હતી જેમાં બ્રિજના રોડ જોઈન્ટ વચ્ચેથી અચાનક આગની ભીષણ જ્વાળાઓ નીકળતાં વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જાણે રસ્તાની વચ્ચેથી આગ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
સુરતના ડિંડોલી-પાંડેસરા બ્રિજના સિમેન્ટ-કોંક્રિટના રોડ જોઈન્ટ વચ્ચેથી એકાએક આગની જ્વાળાઓ બહાર નીકળવા લાગી હતી. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ આ દ્રશ્યો જોઈને ચોંકી ઊઠ્યા હતાં. જાણે બ્રિજની અંદરથી અગનગોળા બહાર આવી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે બ્રિજની સ્ટ્રીટ લાઈટનો મુખ્ય વીજ કેબલ જોઈન્ટમાંથી પસાર થતો હતો. ઓવર લોડિંગના કારણે કેબલ ગરમ થતાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના લાઈટ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી બળી ગયેલો કેબલ બદલવાની કામગીરી કરી હતી.
