કામરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસકામોને વધુ વેગ
કામરેજમાં 23 નવા રસ્તાઓના ખાતમુહૂર્તનો પ્રારંભ
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે ખાતમુહૂર્ત
આગામી ત્રણ દિવસ સુધી ચાલશે ખાતમુહૂર્ત મહોત્સવ
સુરતની કામરેજ વિધાનસભામાં ગ્રામ્ય વિકાસને વધુ વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે વિધાનસભા વિસ્તારનાં ગામોને જોડતા 23 નવા રસ્તાઓના ખાતમુહૂર્તનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખાતમુહૂર્ત મહોત્સવ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. મંત્રીશ્રીએ દાવો કર્યો છે કે આ વિકાસકામો પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા અને વાહનવ્યવહારની સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે.
કામરેજ વિધાનસભા વિસ્તારમાં વિકાસકામોને લઈને નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાના જણાવ્યા અનુસાર, ગામડાઓને જોડતા 23 નવા રસ્તાઓના ખાતમુહૂર્તની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રસંગે સાંસદ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગોનું નિર્માણ પૂર્ણ થયા બાદ ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં અને ગ્રામજનોને એક ગામથી બીજા ગામ સુધી અવરજવર કરવામાં સરળતા રહેશે. મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વિકાસકામોથી કામરેજ વિસ્તારના માર્ગો વધુ સુદૃઢ બનશે અને ગ્રામ્ય જનતાને પરિવહનની સુવિધામાં રાહત મળશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ખાતમુહૂર્ત મહોત્સવને કામરેજના વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
