સુરતના ખરવાસા ગામમાં 21 વીઘા જમીનના વિવાદમાં કાર્યવાહી
વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનમાં બહેનોના હક્કને નુકસાન પહોંચાડવાનો આરોપ
બહેનોની ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાની ફરિયાદ
સુરતના ખરવાસા ગામમાં વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની 21 વીઘા જમીનમાં બહેનોના હક્ક અને હિસ્સાને નુકસાન પહોંચાડવા માટે તેમની ખોટી સહીઓ કરી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોવાની ફરયાદને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ખરવાસા ગામમાં વડીલોપાર્જિત જમીનમાં ડુપ્લીકેટ દસ્તાવેજો તૈયાર કરાયા હતાં. ફરિયાદી ગિરીશકુમાર સોલંકીએ જણાવ્યુ હતુ કે તેમની માતા ધનુબેન અને માસી ભાવનાબેનની સંયુક્ત માલિકીની આશરે 21 વીઘા જમીનના વહેંચણી કરારમાં તેમની ખોટી સહીઓ કરવામાં આવી હતી. બ્લોક નંબર 178, 168 અને 144ની જમીન મામલે વર્ષ 1996માં બનાવટી વહેંચણી કરાર તૈયાર કરાયો હતો. આ દસ્તાવેજનો ઉપયોગ કરીને વર્ષ 1997માં તલાટી કમ મંત્રી સમક્ષ અરજી કરવામાં આવી હતી. ફરિયાદમાં ખોટા પેઢીનામા, પંચક્યાસ અને જવાબોના આધારે મહેસૂલ રેકોર્ડમાં નોંધ નંબર 1862 પાડવામાં આવી હતી. સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં 13 ઓક્ટોબર, 2026ના રોજ ગુનો નોંધાતા ઈકો સેલની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં ઈકો સેલ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ત્રણ આરોપીઓ જશવંતસિંહ ગણપતસિંહ ગોહિલ, પ્રવીણસિંહ ગુમાનસિંહ ધુમ અને વિક્રમસિંહ ચંદ્રસિંહ ધુમને ઝડપી પાડ્યા હતાં. હાલ આ મામલે ઈકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
