સુરતમાં યોજાશે ભવ્ય યશવી નવરાત્રી 3.0
યશવી નવરાત્રીમાં ખેલૈયાઓ માટે એક કરોડનાં આકર્ષક ઇનામો
દરરોજ 10થી 12 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમશે
22મીએ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સુરતીઓને પોતાના સૂર પર ઝૂમાવશે
સુરતના ગરબા રસિકો માટે આ વર્ષની નવરાત્રી ખાસ અને યાદગાર બની રહેશે કારણ કે સુરતમાં યોજાઈ રહી છે ભવ્ય યશવી નવરાત્રી 3.0. જેમાં ખેલૈયાઓ માટે એક કરોડ રૂપિયાનાં આકર્ષક ઈનામોની જાહેરાત કરાઈ છે. મહોત્સવમાં દરરોજ 10થી 12 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમશે. તો 22મી તારીખે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના સૂરથી સુરતીઓને ડોલાવશે.
સુરતના ખેલૈયાઓ માટે યશવી નવરાત્રી 3.0 લઈને આવ્યું છે ગરબાનો અનોખો ઉત્સવ! 700 બાય 200 ફૂટના વિશાળ જર્મન એસી ડોમમાં યોજાનારા આ 10 દિવસીય મહોત્સવમાં દરરોજ 10થી 12 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમશે. ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા કુલ એક કરોડ રૂપિયાનાં આકર્ષક ઈનામોની જાહેરાત કરાઈ છે. વિશાળ ડોમ અને ભવ્ય આયોજન સાથે યશવી નવરાત્રી સુરતના ગરબા રસિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. યશવી નવરાત્રીમાં સંગીત અને ગરબાનો જબરદસ્ત સંગમ જોવા મળશે. સમગ્ર 10 દિવસ જાણીતી ગાયિકા પૂર્વા મંત્રી પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે, જ્યારે 22મી તારીખે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની ખાસ હાજરી મહોત્સવમાં ચાર ચાંદ લગાવશે. દરરોજ 55થી વધુ અનુભવી કલાકારો અને પુનેરી ઢોલના ધમાકેદાર તાલ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉત્સાહ અને ઊર્જાનો માહોલ જામશે. ખેલૈયાઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગની સુવિધા ઉપરાંત ગરબા દરમિયાન ડ્રેસ કે લુકમાં કોઈ ખામી સર્જાય તો સ્થળ પર જ મેકઅપ અને ટેઈલરિંગ સર્વિસ ઉપલબ્ધ રહેશે. એટલું જ નહીં, કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે સ્ટાફને સીપીઆર એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશનની તાલીમ પણ અપાઈ છે. ગરબાની મોજ સાથે ખેલૈયાઓની સુવિધા અને સલામતીને પણ પ્રાધાન્ય આપ્યુ છે. ગરબાની રમઝટ બાદ સ્વાદના શોખીન સુરતીઓ માટે અંદાજે 40 જેટલા વિવિધ ફૂડ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
