સુરતની લાલગેટ પોલીસે બનાવટી ચલણી નોટોના કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો
ભાવનગર જિલ્લા જેલમાંથી આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લવાયો
સુરત લાવી આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવી
સુરતની લાલગેટ પોલીસે બનાવટી ભારતીય ચલણી નોટોના કેસમાં વધુ એક આરોપીને ભાવનગર જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવી ધરપકડ કરી હતી.
સુરતની લાલગેટ પોલીસે ગત 24 ઓગસ્ટે બનાવટી નોટો સાથે કલ્પેશ રાઠોડને ઝડપી પાડ્યો હતો. કલ્પેશ મૂળજીભાઈ રાઠોડ પાસેથી 500 રૂપિયાના દરની 35 નકલી નોટો ઉપરાંત 3 મોબાઈલ ફોન, 2 લેપટોપ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 2 લાખ 38 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન કબજે કરાયેલી બેગ મહિલા આરોપી હિનાબેન મોહનભાઈ વાઢેરે આપ્યાનું અને આ બેગ તેને ભાવનગરના હરદીપસિંહ ભગીરથસિંહ ગોહિલે બિઝનેસ ઈવેન્ટ દરમિયાન આપ્યાનું સામે આવ્યું હતું. તપાસમાં હરદીપસિંહ ભાવનગર જિલ્લા જેલમાં અન્ય ગુનામાં કેદ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી લાલગેટ પોલીસે જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ ટ્રાન્સફર વોરંટના આધારે ભાવનગર જિલ્લા જેલમાંથી હરદીપસિંહનો કબજો મેળવી સુરત લાવી તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના 11 ઓક્ટોબર 2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે.
