બારડોલીના સ્વરાજ આશ્રમથી સુરત ગ્રામ્ય પોલીસની બાઈક રેલી

Featured Video Play Icon
Spread the love

બારડોલીના સ્વરાજ આશ્રમથી સુરત ગ્રામ્ય પોલીસની બાઈક રેલી
‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન
ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસની જનજાગૃતિ રેલી

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધારવાના હેતુથી ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત બારડોલીમાં વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી બાઈક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદશ્રી, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં એસપીસી (SPC)ના વિદ્યાર્થીઓ, એનસીસી (NCC), એનએસએસ (NSS)ના સભ્યો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી (GRD), ટીઆરબી (TRB)ના જવાનો તેમજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન વિવિધ ટ્રાફિક જાગૃતિના સ્લોગન અને બેનરો સાથે નાગરિકોને માર્ગ સલામતી અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટનો ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું તેમજ ઝડપ મર્યાદાનું ધ્યાન રાખવા સહિતના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવાનો અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. સુરત ગ્રામ્ય જિલ્લાને ‘ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ’ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ દ્વારા વિવિધ સ્તરે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરી પોતાનું તથા પરિવારનું જીવન સુરક્ષિત રાખે. માર્ગ સલામતી માત્ર પોલીસની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. નાગરિકોના સહકારથી જ માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુમાં ઘટાડો લાવી શકાય તેમ પોલીસ દ્વારા જણાવાયું હતું.

સ્વરાજ આશ્રમથી શરૂ થયેલી આ બાઈક રેલી દ્વારા બારડોલી સહિતના વિસ્તારોમાં ‘ટ્રાફિક નિયમોનું પાલન કરો, જીવન સુરક્ષિત રાખો’નો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. રેલીમાં જોડાયેલા પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પણ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *