ભાવનગરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં 3000 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ભાવનગરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ ભાવનગર, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 3000 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે મહારેલી યોજવામાં આવી હતી.

વિશ્વભરમાં એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી વસવાટ એવા ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણને સુરક્ષિત રાખવા જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભાવનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ ભાવનગર, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમની અધ્યક્ષતા નાયબ વન સંરક્ષક યોગેશકુમાર દેસાઈએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વન્યજીવોના સંરક્ષણ, સિંહોના કુદરતી રહેઠાણનું જતન અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે તાજેતરમાં પાલીતાણા નજીક સિંહણના અચાનક હુમલાનો સામનો કરનાર કાળુભાઈ ભરવાડનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાળુભાઈ ભરવાડ પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તેમની હિંમત, ધીરજ અને વન્ય પ્રાણીઓ પ્રત્યેના પ્રેમના કારણે તેઓ સિંહણના સકંજામાંથી મુક્ત થયા હતા. સિંહણને વહાલ કરતો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા અને સાહસ બદલ કાળુભાઈ ભરવાડને મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ સ્વામિનારાયણ ગુરુકુળના 3000થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જાહેર જનતામાં સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ, મદદનીશ વન સંરક્ષક બિમલ ભટ્ટ, બ્લેકબક નેશનલ પાર્કના મદદનીશ વન સંરક્ષક જોશી, વન્યજીવ સંરક્ષક ડૉ. ઇન્દ્ર ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પરીક્ષેત્ર વન અધિકારી ગલાણી, વન વિભાગના કર્મચારીઓ, રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટના સભ્યો તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આચાર્યો, શિક્ષકો અને પર્યાવરણપ્રેમીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના માધ્યમથી સિંહો માત્ર ગુજરાતની ઓળખ જ નહીં, પરંતુ આપણા કુદરતી વારસાનો અમૂલ્ય હિસ્સો છે અને તેમના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે, તેવો સંદેશ આપવામાં આવ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *