સુમુલ ડેરી ડિરેક્ટરની ચૂંટણીમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીતનો ભવ્ય વિજય
પ્રતિસ્પર્ધીઓને જંગી મતોથી પછાડી મેળવી ઐતિહાસિક જીત
દક્ષિણ ગુજરાતના પશુપાલકોની જીવાદોરી સમાન અને સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ‘સુમુલ ડેરી’ની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ ગામીતે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. આ વિજય સાથે તાપી જિલ્લાના પશુપાલકો અને મતદારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ચૂંટણીના અંતિમ પરિણામો અનુસાર, કુલ ૧૭૫ મતોમાંથી કાંતિભાઈ ગામીતને ૧૩૯ મતો મળ્યા હતા, જ્યારે તેમની સામેના અન્ય ત્રણેય ઉમેદવારોને સંયુક્ત રીતે માત્ર ૩૬ મતો જ પ્રાપ્ત થયા હતા. કાંતિભાઈ ગામીતની આ જંગી જીતને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં એક ઐતિહાસિક અને પ્રભાવશાળી વિજય તરીકે જોવામાં આવી રહ્યો છે. વિજયની જાહેરાત થતાં જ સોનગઢ ખાતે આવેલા કાંતિભાઈ ગામીતના કાર્યાલય પર શુભેચ્છકોનો મેળાવડો જામ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકો, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ તેમને રૂબરૂ મળીને ભવ્ય જીત બદલ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કાંતિભાઈ ગામીતના બહોળા અનુભવ અને કુશળ નેતૃત્વથી સુમુલ ડેરીના કાર્યક્ષેત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. પશુપાલકોને આશા છે કે તેમના નેતૃત્વમાં દૂધના પોષણક્ષમ ભાવ, નવી કલ્યાણકારી યોજનાઓ અને પશુપાલકોના હિતોના રક્ષણ માટે નક્કર નિર્ણયો લેવામાં આવશે.સુમુલ ડેરીને વધુ મજબૂત અને પ્રગતિશીલ બનાવવા માટે કાંતિભાઈ ગામીતનું માર્ગદર્શન આગામી સમયમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે, તેમ કાર્યકર્તાઓએ એકસૂરે જણાવ્યું હતું….
