ભાવનગરમાંથી રોકાણકારોને લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું

Spread the love

ભાવનગરમાંથી રોકાણકારોને લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું
શેરબજારમાં રોકાણના નામે 20 ટકા જેટલા અધધ વળતરની લાલચ
ધામેચા બંધુઓનું કૌભાંડ 300 થી 400 કરોડ પહોંચશે

ભાવનગરમાંથી રોકાણકારોને રાતોરાત અમીર બનવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. શેરબજારમાં રોકાણના નામે 20 ટકા જેટલા અધધ વળતરની લાલચ આપીને ધામેચા બંધુઓએ આશરે ૩૫થી વધુ ગામના લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો છે. આ આખું કૌભાંડ 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ મહાઠગાઈના તાર હવે રાજકીય પક્ષ સાથે પણ જોડાઈ રહ્યા છે.

ભાવનગરના ફરિયાદકા ગામેથી શરૂ થયેલી રોકાણ સ્કીમે હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સપના રોળી નાખ્યા છે. માત્ર ધોરણ-3 પાસ ભેજાબાઝ યોગેશ ધામેચા તથા ધોરણ-12 પાસ તેના પિતરાઈ ભાઈ સંજય ધામેચાએ આ આખા નેટવર્કની જાળ બિછાવી હતી. શરૂઆતમાં ડ્રાઇવિંગ અને ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા આ બંને ભાઈઓએ 100થી વધુ એજન્ટો રાખી લોકોને 20% વ્યાજની લાલચ આપી હતી. ફરિયાદકાના કરણભાઈ રાઠોડે રૂ. 46.50 લાખ, ચિત્રાના સંદિપભાઈ સોલંકીએ રૂ. 20 લાખ અને સિદસરના કિશોરભાઈ ચૌહાણે રૂ. 12.50 લાખ ગુમાવ્યા છે. પોલીસ ચોપડે અત્યાર સુધીમાં આશરે 1 કરોડ 29 લાખથી વધુની છેતરપિંડી નોંધાઈ ચૂકી છે, પણ સ્થાનિકોના મતે આ આંકડો 400 કરોડને પાર છે.

ઘટના સામે આવે તે પહેલા આરોપીઓ છેલ્લા બે મહિનાથી કરોડો રૂપિયા ઉસેડીને ફરાર થઈ ગયા હતા. જોકે, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 100 થી વધુ ભોગ બનનાર લોકો સામે આવ્યા છે અને બંને આરોપીઓ હાલ 13 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. જોકે, આરોપી યોગેશ ધામેચા કોઈ સત્તાવાર કોઈ રાજકીય હોદ્દો ધરાવે છે કે નહીં તે અંગે પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ લેખિત પુરાવા મળ્યા નથી. પોલીસે અન્ય ભોગ બનનાર રોકાણકારોને પણ પુરાવા સાથે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ કરી છે. ઝડપથી પૈસા ડબલ કરવાની કે મોટું વળતર મેળવવાની લાલચ કેવી આફત નોતરી શકે છે, આ કૌભાંડ તેનો જીવતો-જાગતો પુરાવો છે. હાલ તો પોલીસ આ મામલે ઊંડી તપાસ ચલાવી રહી છે અને આ નેટવર્કમાં સામેલ અન્ય 5 થી 10 સાગરીતોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *