ભાવનગરના દિવાનપરામાં 144 વર્ષ જૂની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના દિવાનપરામાં 144 વર્ષ જૂની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી
બાર્ટન લાઈબ્રેરી મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે…
ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા વિશેષ અભિયાન

ગોહિલવાડની સંસ્કારી નગરી ભાવનગરની આન, બાન અને શાન સમાન 144 વર્ષ જૂની ઐતિહાસિક ‘બાર્ટન લાઈબ્રેરી’ હવે તેના મૂળ સ્થાપત્ય વૈભવ સાથે પુનઃ જીવંત થશે.

ભાવનગરમાં મહારાજા તખ્તસિંહજી દ્વારા વર્ષ 1882માં સ્થાપિત આ લાઈબ્રેરીના દુર્લભ પુસ્તકોનું સંરક્ષણ અને રિસ્ટોરેશનની સાથે નવિનીકરણ માટે ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દિવાનપરા રોડ પર આવેલી આ લાઈબ્રેરી યુરોપિયન, ગોથિક અને ભારતીય સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. રાજુલાના સેન્ડ સ્ટોન, ચુનાનું ચણતર અને બર્માના ટીકવૂડના ફર્નિચરથી સજ્જ આ ઈમારત આજે પણ સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહી છે. આ લાઈબ્રેરીમાં હસ્તપત્રો અને દુર્લભ ગેઝેટ સહિત 88,000થી વધુ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો સંગ્રહિત છે. બાર્ટન લાઇબ્રેરી ટ્રસ્ટના કૌશિકભાઈ ભટ્ટ, હિરેનભાઈ મહેતા, ભાવનગર સ્ટેટના રાજકુંવરી બ્રિજેશ્વરીદેવી ગોહિલ, હર્ષાબેન રામૈયા, અમિતભાઈ લંગારીયા વગેરે દ્વારા લોકભાગીદારી માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.

સમયના વહેણ સાથે જર્જરિત થયેલી આ ઈમારતને અડીખમ રાખવા માટે ‘બ્યુટીફાય બાર્ટન’ કાર્યક્રમ અંતર્ગત પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, એક્રેલીક ઈન્ડસ્ટ્રીઝ અને કે.બી. ઈસ્પાત જેવી સંસ્થાઓ આગળ આવી છે. અમદાવાદની વિખ્યાત સેપ્ટ યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર હેરીટેજ કન્ઝર્વેશન’ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો પહેલો ફેઝ પૂરો થયો છે, જ્યારે બીજા ફેઝનું કામ જૂન-જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ ઐતિહાસિક ધરોહરને આગામી 50-75 વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે રાજવી પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવનગરના નગરજનો અને પુસ્તક પ્રેમીઓને આર્થિક સહયોગ આપવા વિનંતી કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *