ગ્રાઉન્ડમાં ગાયો ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો
હુમલાના ચાર દિવસ બાદ A ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
ગાયો ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં યુવાન પર હુમલો
પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન ને તેના જ માલધારી સમાજના યુવાનો સાથે ગાયો ચરાવવા મુદ્દે મન દુઃખ થયું હોય જે વાતની દાઝ રાખી સાત શખ્સોએ ફરિયાદી યુવાન પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદ આધારે પોલીસે તમામ હુમલાખોરોની ધડપકડ કરી તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ન્યુ સિંધુનગર વિસ્તારમાં સંતુકારામ રોડ પર રામવાડી ની બાજુમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશ ભવન સાટીયા ભરવાડ ઉંમર વર્ષ 26 એ આઝાદ નગરમાં રહેતા સંદીપ વિપુલ બાબરીયા, ગોપાલ બીજલ બાબરીયા, વિશાલ ગગજી બાબરીયા, દિપક બીજલ બાબરીયા, કિશન કમા બાબરીયા, અમિત વિપુલ બાબરીયા, અને મુન્ના કાના બાબરીયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં ફરિયાદી યુવાન વાઘાવાડી રોડ પાસે આવેલ પુજારા ગ્રાઉન્ડમાં ગાયો ચરાવવા ગયો હોય ત્યારે ગોપાલ બાબરીયા સંદીપ બાબરીયા સહિતનાઓ પોતાની ગાયોને લઈને ગ્રાઉન્ડમાં ચરાવવા માટે આવ્યા હતા પુજારા ગ્રાઉન્ડમાં ફરિયાદીની ગાયો કરતા આરોપીઓની ગાયો વધારે હોય આથી ફરિયાદીએ ત્યાં ગાયો ચરાવવાની ના પાડી હતી આ વાત આરોપીઓને પસંદ પડી ન હતી અને આમ છતાં પણ તેઓ ગ્રાઉન્ડમાં પોતાની ગાયો ચરાવતા હોય દરમિયાન ગતરોજ ફરિયાદી રાત્રિના સમયે રામ મંત્ર મંદિર પાસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ગયો હોય એ દરમિયાન જૂની અદાવત રાખીને તમામ આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તે અમને ગાયો ચરાવવાની ના કેમ પાડી એમ કહી ફરિયાદી સુરેશ પર હુમલાખોરોએ તલવાર પાઇપ લાકડી કુહાડી છરી સહિતના હથિયારો વડે હુમલો કરી લોહિયાળ ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ યુવાને સાતેય હુમલાખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય હુમલાખોરો ને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.
