સુરતના સરથાણામાં થતી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે હિતેશ ઉકાણીની અટકાયત કરી પૂછપરછ કરી
સરથાણા પોલીસે રીઢાને છ ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો
સુરતમાં વાહન ચોરીના બનાવોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરથાણા પોલીસે છ જેટલી મોટર સાઈકલની ચોરી કરનાર રીઢા ચોરને સીસીટીવી અને પોકેટ કોપ થતા ઈ ગુજકોપ જેવી એપ્લીકેશનની મદદથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ હાલ વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતના સરથાણા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એચ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.જી. લીંબોલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. ચેતન રસિક અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જવસિંગ વેસ્તા તથા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પ્રકાશનાઓએ સીસીટીવી કેમેરાના આધારે તથા બાતમીના આધારે સરથાણા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટર સાઈકલ સાથે રીઢા ચોર એવા મુળ અમરેલીના સાવરકુંડલાનો અને હાલ સરથાણા જકાતનાકા ખાતે જિવનદીપ રો હાઉસમાં રહેતા હિતેશ મધુ ઉકાણીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ પોકેટ કોપ તથા ઈ ગુજકોપ જેવી એપ્લીકેશનથી તપાસ કરતા રીઢાએ કબુલાત કરી હતી કે લસકાણા, ઉત્રાણ વિસ્તારમાંથી પણ તેણે મોટર સાઈકલોની ચોરી કરી હતી. હાલ તો રીઢાને ઝડપી પોલીસે પાંચ ચોરીના વાહનો તથા આરોપી પાસેથી મળેલ બાઈક અને મોબાઈલ મળી 3 લાખ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ તો સરથાણા પોલીસે રીઢા ચોર હિતેશ ઉકાણીને ઝડપી છ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.