સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર પડી
ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર
ડાઈંગ પ્રોસેસિંગ સેક્ટર પર મોટી માઠી અસર
ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગપર પડી છે. ડાઈંગ પ્રોસેસિંગ સેક્ટર પર મોટી માઠી અસર જોવા મળી રહી છે.
ઈઝરાયેલ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર પડી હોય તેમ ડાઈંગ-પ્રોસેસિંગ સેક્ટર પર મોટી માઠી અસર જોવા મળી છે. ઈતિહાસમાં પહેલીવાર માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં કોલસાના ભાવમાં ટન દીઠ 800-1200 રૂપિયાનો તોતિંગ ઉછાળો થયો છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે, તો કાપડ પ્રોસેસિંગના ચાર્જમાં 15 ટકા સુધીનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. સમુદ્રી માર્ગે આવતા કોલસાના શિપિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ટન દીઠ 8 અમેરિકન ડોલરનો વધારો ઝીંકાયો છે. શિપિંગ મોંઘું થતા ઈમ્પોર્ટર સ્તરે જ ખર્ચ વધી ગયો જેનો સીધો બોજ હવે સુરતના લોકલ પ્રોસેસર્સ પર પડી રહ્યો છે. ગ્રે કાપડને ફિનિશ્ડ ફેબ્રિકમાં ફેરવતી મિલો માટે કોલસો સૌથી મુખ્ય અને મોટો ખર્ચ ઘટક છે.
સુરતમાં હાલમાં અંદાજે 400થી વધુ ડાઈંગ-પ્રોસેસિંગ મિલો કાર્યરત છે. અને દરેક મિલમાં સરેરાશ 40થી 50 ટન કોલસો વપરાય છે. જે મુજબ આખા શહેરમાં રોજનો કુલ 50 હજાર ટન કોલસો વપરાશ થાય છે. કોલસામાં ટન દીઠ 800 -1200 રૂપિયાનો વધારો થવાથી સમગ્ર ઉદ્યોગના કુલ ખર્ચમાં કરોડો રૂપિયાનો વધારો થઈ શકે છે. સુરતમાં આવતો મોટાભાગનો કોલસો ઈન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુઅલ ચાર્જમાં બહુ મોટો ફેરફાર ન હોવા છતાં સ્થાનિક આયાતકારોએ ભાવ વધારતા ઉદ્યોગકારોમાં અસમંજસ છે. અચાનક થયેલા ભાવ વધારાને કારણે નવા ઓર્ડરના બુકિંગ અને ભાવની વાટાઘાટો પર નકારાત્મક અસર પડી હોવાનુ જણાવાયુ હતું.
