સુરતના સરથાણા નેચર પાર્ક અને ઝૂ નો વીડિયો વાયરલ
યુવાન ઝૂમાં રહેલા વાઘ તરફ પથ્થર ફેંકતો જોવા મળ્યો
રાષ્ટ્રીય પશુ સાથેની આવી બેદરકારીભરી હરકતને લઈને લોકોમાં ભારે રોષ
સુરતના સરથાણા નેચર પાર્ક અને ઝૂનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન ઝૂમાં રહેલા વાઘ તરફ પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય પશુ સાથેની આવી બેદરકારીભરી હરકતને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સુરતના સરથાણા નેચર પાર્ક અને ઝૂમાં વાઘ સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન વાઘ તરફ પથ્થર ફેંકતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવી છે. લોકોનું કહેવું છે કે ઝૂમાં રહેલા પ્રાણીઓને ઉશ્કેરવાની આવી હરકતો માત્ર પ્રાણીઓ માટે જ નહીં પરંતુ અન્ય મુલાકાતીઓ માટે પણ જોખમરૂપ બની શકે છે. કરોડોના ખર્ચે લાવવામાં આવેલા વાઘ સહિતના વન્યજીવોની સુરક્ષા માટે ઝૂ તંત્ર દ્વારા પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. જો વાઘ ઉશ્કેરાઈ જાય અને કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.
નાગરિકોએ વીડિયો આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર આવા તત્વો સામે તાત્કાલિક પગલા ભરે અને ઝૂમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવે તેવી માંગ ઉઠી છે.
