અમદાવાદના વસ્ત્રાપુરમાં 40 વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન
આ વર્ષે પણ વસ્ત્રાપુર કા મહા ગણપતિ
સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન સરદાર પટેલ સેવા દળ દ્વારા કરાયું
સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ભક્તિમય માહોલ છવાયો છે. સ્થાનિક આયોજકો દ્વારા તૈયાર કરાયેલા ભવ્ય પંડાલમાં વિઘ્નહર્તા ગણેશજીની સુંદર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર મંત્રોચ્ચાર સાથે ગણેશજીને પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા, જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
અમદાવાદ વસ્ત્રાપુર તળાવ નજીક સરદાર પટેલ સેવાદળ દ્વારા વસ્ત્રાપુર મહાગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે આ ઉત્સવ 40 માં વર્ષમાં પ્રવેશ્યો છે. આ વર્ષે ગણપતિની સ્થાપના માટે સરદાર પટેલ સેવાદળના 122થી વધુ સભ્યો સહભાગી થયા. આ વર્ષની પંડાલની થીમ વૃક્ષારોપણ પર આધારિત છે, જે હાલના સમયમાં વૃક્ષોના કાપકૂટ અને વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે. આ ઉપરાંત, ઓપરેશન સિંદૂર દ્વારા સૈનિકોના પરાક્રમને યાદ કરવા આ થીમનો સમાવેશ કરાયો છે. આ સાથે, સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે ‘વોકલ ફોર લોકલ’ થીમ પણ રાખવામાં આવી છે. સરદાર પટેલ સેવાદળના પ્રમુખ ધર્મસિંહ દેસાઈએ જણાવ્યું કે, આ પંડાલમાંથી એકત્ર થતું ભંડોળ ગણપતિ મંદિરના નિર્માણ માટે વપરાયું છે. આ મંદિર દ્વારા ‘રિદ્ધિ સિદ્ધિ સગર્ભા સહાય યોજના’ ચલાવવામાં આવે છે, જેમાં વસ્ત્રાપુર અને નહેરુનગરમાં રહેતી ગર્ભવતી મહિલાઓને દર મહિને એક કિલો ઘી, એક કિલો સિંગદાણા, એક કિલો ખજૂર અને એક કિલો ગોળ આપવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દસ દિવસના વિશેષ કાર્યક્રમોની વાત કરીએ તો, સાંજે મહા આરતી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરદાર પટેલ સેવાદળ દ્વારા ગણેશ ઉત્સવ ઉપરાંત, કૃષ્ણ જન્મોત્સવ, રક્તદાન શિબિર અને જરૂરિયાતમંદો માટે 108 એમ્બ્યુલન્સ સેવા જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
