સુરતમાં દર વર્ષે ચોમાસામાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા
દરિયા કિનારા વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો કારણભૂત
ઝીંગા તળાવોને તાત્કાલિક દુર કરવા ડુમસના સામાજિક આગેવાને નેમ લીધી
સુરતમાં દર વર્ષે ચોમાસા સમયે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની વિકટ સમસ્યા બનતી હોય છે ત્યારે દરિયા કિનારા વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો આ પાણી ભરાવવા માટે કારણભુત હોય તે ગેરકાયદે ઝીંગા તળાવોને તાત્કાલિક દુર કરવાની માંગ સાથે ડુમસના સામાજિક આગેવાને નેમ લીધી છે.
સુરતના ડુમસ ખાતે આવેલ સુલતાનાબાદમાં રહેતા સામાજિક આગેવાન દિપક ધીરૂભાઈ ઈજારદારએ દરિયા કિનારે સરકારી જગ્યાઓ પર દબાણ કરી શરૂ કરાયેલા ગેરકાદે ઝીંગા તળાવો સામે મુહિમ શરૂ કરી છે. જે અંગે પત્રકાર પરિષદમાં દિપક ઈજારદારએ જણાવ્યુ હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડી પૂર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ, આભવા, ઉભરાટ, ભીમરાડ, ગભેણી, બુડિયા, દીપલી વિગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે. જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ-મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે. આ સમસ્યાનું મૂળ કારણ ખાડીના મુખ પાસે તેમજ આભવા, ખજોદ તેમજ ભીમપોરના દરિયા કિનારાની અંદર અતિક્રમણ કરી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો છે. આ હકીકત સરકાર સારી રીતે જાણે છે. મિડીયાએ પણ તેની ગંભીર નોંધ લીધી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાએ પણ આ બાબતે તાકીદના પગલા લેવા કલેકટરનું ધ્યાન દોર્યું છે.
અગમ્ય કારણોસર હજુ સુધી કલેકટરાલયના તંત્રએ કોઈ પગલાં લીધા નથી. ત્યારે હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી. તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા, સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમપોર, ડુમસ, આભવા, સુલતાનાબાદ, ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુધ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળી ના સળગતા પ્રશ્નો અંગે ડુમસ, સુલતાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઈજારદારે ઝીંગા તળાવ હટાવ અને સુરત શહેર બચાવ અભિયાન નો પ્રારંભ કર્યો છે. જે અંગે દિપક ઈજારદારએ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી