સુરતમાં ચોમાસા પૂર્વે મલેરિયા અને ડેન્ગ્યુ સામે જનજાગૃતિ
ઉધના સાઉથ ઝોનની વિશાળ રેલી યોજાઈ
સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા મલેરિયા અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતી મચ્છરજન્ય બીમારીઓ સામે લોકોને જાગૃત કરવા વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નં. 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોએ ભાગ લીધો હતો.
સુરતમાં પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટથી શરૂ થયેલી આ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી. રેલી દરમિયાન હાથમાં બેનરો અને સૂત્રો સાથે નાગરિકોને મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. રેલીમાં લોકોને પોતાના ઘર, આંગણાં, ધાબા, પાણીની ટાંકીઓ, કૂલર, ફૂલદાની તેમજ અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા સમજાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન જમા થતું સ્વચ્છ પાણી પણ મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ બની શકે છે, તેથી દર અઠવાડિયે પાણીના સ્ત્રોતોની સફાઈ કરવી જરૂરી છે.
આ પ્રસંગે કોર્પોરેટરોએ પણ નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પાણીનો બિનજરૂરી ભરાવો દૂર કરવા અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મનપાના અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને આરોગ્ય જાગૃતિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ પરિસર – સ્વસ્થ પરિવાર”ના સંદેશ સાથે ઉધના સાઉથ ઝોન દ્વારા ચોમાસા પૂર્વે રોગચાળા સામે લડવા જનજાગૃતિનું મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું.
