જામનગરમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો કંટાળ્યા
શહેરની પટેલ કોલોની વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા
3 માસથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું કરાઈ રહ્યું છે વિતરણ
જામનગરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ ત્રણેક માસથી નળ વાટે દુષિત અને દુર્ગંધયુકત પાણીનુ વિતરણ થતુ હોવાના આક્રોશ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જેના પગલે રોગચાળાનો પણ ખતરો તોળાઇ રહયો છે
તાજેતરમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 20 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની ઘટના હજુ તાજી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની કથિત ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિ નોતરે તેવી ભીતિ પણ જાણકારો દ્વારા સેવાઈ રહી છે. રહીશોના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં કથિત ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે. પાણીનો રંગ કાળો અને અત્યંત દુર્ગંધ મારતો હોવાથી તેનો ઉપયોગ કરવો તો દૂર, તેને અડવું પણ મુશ્કેલ બની ગયું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ હલ ન કરાયો હોવાનો આક્રોશ પણ તેમણે વ્યકત કર્યો હતો. જે દરમિયાન એક સગર્ભા મહિલાને ઉલ્ટીની ફરીયાદ સાથે સારવાર પણ અપાઇ હોવાનુ સામે આવ્યુ છે. શહેરના પોશ પટેલ કોલોની શેરી નં. 9, રોડ નં. 2 પર ખાનગી સ્કુલ સામે શ્રી ગણેશ ટેનામેન્ટસ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નળ વાટે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નળ સંબંધિત વિસ્તારમાં લાઇનની મરામત બાદ પણ હજુ સુધી દુષિત જળની સમસ્યા મહદઅંશે યથાવત રહેવા પામી છે. જેના કારણે લોકો પીવામાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી, તેમજ નળ વાટે વિતરણ થતુ પ્રથમ દ્રષ્ટીએ જ ગંદુ જણાતુ ઉપકોત પાણી પીવાથી અવાર નવાર બાળકોને પણ સમસ્યા થાય છે. જેનુ તાત્કાલિક નિરાકરણ લાવવુ જરૂરી બન્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનરે આ બાબતે અંગત રસ લઈ તત્કાલ ટેકનિકલ ટીમ મોકલવી જોઈએ. પ્રજા પાસેથી વેરો વસૂલતું તંત્ર જો શુદ્ધ પીવાનું પાણી પણ પૂરું પાડી શકતું ન હોય, તો તે અત્યંત શરમજનક બાબત ગણાય. જો આગામી ૨૪ કલાકમાં ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
