અમદાવાદ લાંભામાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને ભાજપ ઉમેદવારનો ભારે વિરોધ
મોતીપુરામાં સભા દરમિયાન સ્થાનિકોએ કર્યો હોબાળો
ધારાસભ્ય અમુલ ભટ્ટનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો
અમદાવાદના લાંભા વોર્ડમાં આવતા મોતીપુરા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપના ઉમેદવાર અને મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો.
અમદાવાદ શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો મુશ્કેલ બની રહ્યો હોય તેમ જણાય છે. અમદાવાદના લાંભા વોર્ડમાં આવતા મોતીપુરા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપના ઉમેદવાર અને મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા લોકોએ નેતાઓને આડે હાથ લીધા હતા. ઘટનાની વિગત મુજબ, લાંભા વોર્ડના ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય અમુલ ભટ્ટ મોતીપુરા વિસ્તારમાં જનસભા સંબોધવા અને પ્રચાર કરવા પહોંચ્યા હતા. સભા દરમિયાન સ્થાનિક રહીશોએ રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે નેતાઓને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા લોકોમાં પહેલેથી જ નારાજગી હતી, જે સભામાં પ્રસ્ફુટિત થઈ હતી.
નેતાઓ જ્યારે સવાલોના સંતોષકારક જવાબ ન આપી શક્યા, ત્યારે સભામાં માથાકૂટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકોનો આક્રોશ અને વધતો વિરોધ જોઈને ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય અમુલ ભટ્ટ સભા અધવચ્ચે છોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
