ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભૂમિપુત્રોનો ઉભો મોલ રસ્તા પર
કમોસમી વરસાદને કારણે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર 7 કિમી સુધી પાક પથરાયો
ખેડૂતો ડાંગરનો 1 લાખ મણ પાક રોડ પર સુકવવા મજબૂર
અંકલેશ્વર-હાંસોટ પંથકમાં તાજેતરના કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. ખેડૂતો હવે પોતાનો ડાંગરનો અંદાજે એક લાખ મણ પાક મુખ્ય માર્ગ પર સૂકવવા મજબૂર બન્યા છે.
અંકલેશ્વર-હાંસોટમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારો કરતા હાંસોટના કુડાદરાથી પંડવાઈ સુધીના 7-8 કિલોમીટરના માર્ગ પર ઠેર-ઠેર ખેડૂતો પોતાનો પાક સૂકવી રહ્યા છે. તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ડાંગરનો પ્રતિ મણનો ભાવ 460-480 રૂપિયા છે, જો કે, ડાંગર પલળી જતાં પ્રતિમણ 40-50 રૂપિયાનું નુકશાન ખેડૂતોને જતું હોય છે. પાક લણવાના સમયે આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પલળી ગયેલા ડાંગરની ગુણવત્તા ઘટવાથી ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા સતાવી રહી છે. આના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડશે.
ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી