પલસાણામાં હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં કંગી
ચારથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી
પલસાણા, સુરત: પલસાણાના જોળવા ગામે આવેલા હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.
આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે તેનો પ્રકોપ બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો, ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. આગની ગંભીરતાને જોતાં બારડોલી અને પીપીએલ (PPL)ની ચારથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. ગોડાઉનની અંદર પ્રવેશ કરવા અને આગને અસરકારક રીતે ઓલવવા માટે ફાયર જવાનોને કેટલાક દરવાજા પણ તોડવાની ફરજ પડી હતી. આગ ઓલવવાના પ્રયાસોમાં ફાયર ટીમને સ્થાનિક લોકોનો પણ સહયોગ મળ્યો હતો. સ્થાનિકોએ મદદ કરીને ફાયર બ્રિગેડને જલ્દીથી આગ સુધી પહોંચવામાં મદદ કરી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મદદ કરી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ પલસાણા
