સુરતમાં રત્નકલાકારોની શિક્ષણ સહાય માટેની લડત તેજ બની
રત્નકલાકારો સહાય મેળવવા હવે કાયદાકીય લડત લડવા મેદાને
1 હજાર કરતાં વધુ રત્નકલાકારોને સહાય કેમ નથી મળી તે પ્રશ્ન
ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરવામાં આવેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ થતાં સુરતના રત્નકલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ-2005નો સહારો લઈ જાગૃતિ અને લડતનું શંખનાદ ફૂંક્યું છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા પાંચ દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1000 થી વધુ RTI અરજીઓ દાખલ કરવામાં આવી છે. રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્નકલાકારોને ન્યાય મળે તે માટે યુનિયનની માગ છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે રત્નકલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74000થી વધુ રત્નકલાકારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈપણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા હતાં.
હાલમાં હીરા ઉદ્યોગ મંદીના ગ્રહણ હેઠળ છે, જેના કારણે અનેક રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પરિવારો ભાડાના મકાનોમાં રહે છે અને તેમના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફી ન ભરાય તો બાળકોના અભ્યાસ અટકાવવામાં આવે તેવું દબાણ પણ સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કપરા સમયમાં શિક્ષણ સહાય રદ થતાં પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
