સુરતમાં માથાભારે ઈસમના ગેરકાયદે બાંધકામ પર ઝીંકાયા હથોડા,
પાંચ દુકાન ઉપર ચલાવાયો ડિમોલિશનનો હથોડો
મોહમ્મદ અઝરુદ્દીએ સરકારી જમીન પર કરેલા દબાણો તંત્રએ દુર કર્યા
સુરત પોલીસ અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે અઠવા પોલીસ મથક વિસ્તારમાં સગરામપુરા ખાતે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો અને સતત ગુનાઓ આચરનાર અજહર ધાંધુની ગેરકાયદે પાંચ દુકાનો પર પોલીસ અને પાલિકાએ હથોડા ઝીંકી દબાણો દુર કર્યા હતાં.
સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સતત ગુનાઓમાં સામેલ રહેલા આરોપી મોહમ્મદ અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ ઈમ્તીયાઝ અહમદ ધાંધુવાલા વિરૂદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાંચ દુકાનો બાંધીને દબાણ કર્યું હતું. પોલીસ તેમજ કોર્પોરેશનના આદેશ બાદ પણ આરોપી અજહર ધાંધુએ દબાણ દુર ન કરતા આખરે તંત્રએ દુકાનો તોડી નાંખી હતી. સુરત શહેરના સિટી સર્વે વોર્ડ નંબર બેના નોંધ નંબર 2933 હેઠળ આવેલી 248.3306 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર આરોપી મોહમ્મદ અઝરુદ્દી દ્વારા ગેરકાયદેસર રીતે 5 દુકાનો બાંધવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દબાણ દૂર કરવામાં આવ્યા છે. સુરત શહેરના અઠવાલાઈન્સ, લાલગેટ, પાલ અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આરોપી સગરામપુરા ગોલકીવાડ ખાતે આવેલ કાદર અઝીમ સ્ટ્રીટમાં રહેતા મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ ધાંધુવાલા વિરૂદ્ધ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે. તેની વિરુદ્ધ પાસાની કાર્યવાહી પણ કરાઈ હતી.