ખેર તસ્કરીનો પર્દાફાશ
માંડવી દક્ષિણ રેન્જમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ,
પોલીસે ટ્રક અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યા
ખેર તસ્કરીનો પર્દાફાશ: માંડવી દક્ષિણ રેન્જમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ, ટ્રક અને લાખોનો મુદ્દામાલ જપ્ત. સુરત વન વિભાગદ્વારા માંડવી દક્ષિણ રેન્જમાં ગત ૧)14મી જૂન 2024ના રોજ નોંધાયેલા ખેર તસ્કરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મજીદ નુરુદ્દીન મલેકની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે આરોપી પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક પણ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં છે.
સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈય્યર, વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક ધીરજકુમાર અને મદદનીશ વન સંરક્ષક હિતેશ આર. જાદવ દ્વારા ખેર તસ્કરીના ગુનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા હતા. ગુનાઓને ઉકેલવા અને નાસતા આરોપીઓને પકડવા માટે સમયાંતરે ક્રાઈમ રીવ્યુ બેઠકો યોજવામાં આવી હતી. બાતમીના આધારે માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની સંયુક્ત ટીમે 21મી એપ્રિલની રાત્રે 2 વાગ્યે વ્યારા તાલુકાના ખોળતળાવ ગામે દરોડો પાડ્યો હતો. અહીં ખાનગી જમીનમાં મજીદ નુરુદ્દીન મલેક, વિરલ વસનજી ગામીત અને નદીમ નામના આરોપીઓ એક ટ્રકમાં ખેરના લાકડા ભરી રહ્યા હતા. ટીમ જોઈને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન મજીદ નુરુદ્દીન મલેકે પાણીના તળાવમાં કૂદકો મારી દીધો હતો, પરંતુ વન વિભાગના કર્મચારીઓએ પીછો કરીને તળાવને ઘેરી લીધો અને તેને પકડી પાડ્યો હતો. અન્ય બે આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટનાસ્થળેથી ખેરના લાકડા ભરેલી ટ્રક (નં. MH-12-DG-9888) અને તેના ડ્રાઈવર અનિલકુમાર રામચન્દ્ર ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મજીદ નરુદ્દીન મલેક ને પકડી માંડવી કોર્ટમાં રજૂ કરાયો હતો કોર્ટે તેમના 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં માંડવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંદા અને વ્યારા રેજફોરેસ્ટ ઓફિસર વ્યારા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતું.