દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ફરી વિવાદમાં
ચૂંટણી પ્રક્રિયા 4 કલાક લંબાતા ભાજપ કોંગ્રેસના સભ્યો રાહમાં બેઠા
કોંગ્રેસે લોકશાહીની હત્યા થયાના આક્ષેપ કર્યા
વાવ-થરાદ વિસ્તારના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે ફરી હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અગાઉ સોમવારે પણ હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
વાવ-થરાદ વિસ્તારના દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ સોમવારે સભાખંડમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના બે સદસ્યો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ જાહેર કરતાં કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા હતા. પંચાયત કચેરી બહાર ચૂંટણી અધિકારીનો ઘેરાવ કરી દેખાવો કરાતાં મામલો વધુ ગરમાયો હતો. ભાજપના આંતરિક વિખવાદને કારણે ચૂંટણી આગામી 27 તારીખ પર ઠેલાઈ હતી અને આજે ફરી હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાતા કોંગ્રેસે લોકશાહીની હત્યા થયાના આક્ષેપ કર્યા છે
સોમવારે તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રદ કર્યાની જાહેરાત કર્યા બાદ ચૂંટણી અધિકારી ડી. એન. કાછડ પંચાયત બહાર નીકળ્યા હતા. જ્યાં રોષે ભરાયેલા લોકોએ ચૂંટણી અધિકારીની ગાડીની હવા કાઢી નાખી હતી અને તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસે ટોળાને વિખેરીને ચૂંટણી અધિકારીને પરત પંચાયત કચેરીમાં લઈ જવાની ફરજ પડી હતી. ભાજપના સભ્યોએ બહુમતી ન હોવાને કારણે જાણીજોઈને અંદરોઅંદર ઝઘડવાનું નાટક કર્યું છે અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી છે. કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તાના જોરે આ પ્રકારનું નાટક ભજવવામાં આવ્યું છે, જે સમગ્ર ઘટના લોકશાહીની હત્યા સમાન છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
