મરોલીમાં પાક બચાવવા ખેતરમાં છોડેલા વીજ કરંટથી મૌત
આધેડ અને 3 ભેંસોના કમકમાટીભર્યા મોત,
ખેતર માલિક રાજુ પટેલ સામે સાપરાધ માનવધનો ગુનો
નવસારીના તવડી ગામે ફેન્સિંગમાં છોડેલા 440 વોલ્ટના કરંટથી આધેડ સહિત 3 ભેંસોના મોત થતા ખેતર માલિક રાજુ પટેલ સામે સાપરાધ માનવધનો ગુનો નોંધાયો
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં રખડતા પશુઓથી પાકનું રક્ષણ કરવા માટે ગેરકાયદેસર રીતે ખુલ્લો મુકાયેલો વીજ કરંટ એક આધેડ અને ત્રણ અબોલ પશુઓ માટે કાળ સાબિત થયો છે. 440 વોલ્ટની મોટરમાંથી ખેતરની ફરતે કરાયેલી ફેન્સિંગમાં દોડાવવામાં આવેલા કરંટની ઝપેટમાં આવી જતાં છીણમ ગામના 55 વર્ષીય આધેડ અને ત્રણ ભેંસોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ આઘાતજનક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની 104 કલમ હેઠળ ખેતર માલિક રાજુ પટેલ સામે સાપરાધ માનવધ કલમ લગાવી તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પશુઓથી પાક બચાવવા ફેન્સિંગમાં 440 વોલ્ટનો લાઈવ કરંટ છોડ્યો હતો મળતી માહિતી મુજબ, તવડી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં રખડતા પશુઓ પાકને નુકસાન ન પહોંચાડે તે માટે ખેડૂતે ક્રૂરતા અને લાપરવાહીની તમામ હદો વટાવી દીધી હતી. ખેડૂતે ખેતરની સુરક્ષા માટે લગાવેલી લોખંડની ફેન્સિંગ (તારની વાડ) માં ડાયરેક્ટ 440 વોલ્ટની મોટરમાંથી કનેક્શન આપીને લાઈવ વીજ કરંટ દોડાવ્યો હતો. આ જોખમી વાડની નજીકથી પસાર થતી વખતે ત્રણ ભેંસો તેની ઝપેટમાં આવી ગઈ હતી. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા નજીકના છીણમ ગામના રહેવાસી વસંતભાઈ રાઠોડ (ઉં.વ. 55) પણ આ હાઈ-વોલ્ટેજ કરંટની પકડમાં આવી ગયા હતા. વીજળીનો આંચકો એટલો પ્રચંડ હતો કે વસંતભાઈ અને ત્રણેય ભેંસોના ઘટનાસ્થળે જ તડપી-તડપીને મોત નીપજ્યા હતા.
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
