નવસારીના ચીખલીમાં વાવાઝોડાના કારણે મોટું નુકસાન.
ભારે પવન ફૂંકાતા શાળાને નુકસાન.
ઇટાલીયા કન્યાશાળાના હોલના પતરા ઉડતા નુકસાન.
નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી હતી. ચીખલીના સરકારી અનાજ ગોડાઉનના પતરા ઉડ્યા અને દીવાલ તૂટવાથી 277 ટનથી વધુ ઘઉં-ચોખા પલળી ગયા. 15થી વધુ ગામોમાં ઘરોના પતરા ઉડ્યા, વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા, જેનાથી વાહન વ્યવહાર અટક્યો અને લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
નવસારી જિલ્લામાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યા આસપાસ જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી.વાવાઝોડાને કારણે ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામમાં મોટું નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો પડવાથી વાહનોને નુકસાન થયું હતું, જ્યારે પતરા ઉડવાને કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે રાત્રે જ અસરગ્રસ્ત તલાવચોરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રને મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના આપી હતી.
નવસારીના આદિવાસી પંથકમાં રાત્રે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. વાંસદા તાલુકાના સીણધઈ ગામના હોલીમોરા અને દૂતાળા આંબા ફળિયામાં વાવાઝોડાથી મોટું નુકસાન થયું હતું. વાવાઝોડા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘરોના પતરા પણ ઉડી ગયા હતા. વાવાઝોડા બાદ વાંસદા માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો કામે લાગ્યા હતા. માર્ગ અને મકાન વિભાગે રાત્રે જ રસ્તા પર પડેલા વૃક્ષો કટર વડે કાપી, જેસીબી મશીનની મદદથી હટાવ્યા હતા, જેથી ગામમાં વાવાઝોડાને કારણે બંધ થયેલા રસ્તાઓ તાત્કાલિક ખોલી જનજીવન થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
