સુરતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પોલીસ બની દેવદુત
કઠોદરામાં રહેતા વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે સમયસર પહોચાડ્યો
ધોરણ 12 ના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા કતારગામ સુધી પહોંચાડ્યો
સુરતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પોલીસ હાલ તો દેવદુત બની રહી છે. ત્યારે સુરત પોલીસે ભારે વરસાદના કારણે કઠોદરામાં રહેતા વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે કતારગામ કેન્દ્ર સુધી સમયસર પહોચાડ્યો હતો.
સુરત શહેર-જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડી રહેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પુરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો કે, કઠોદરા ગામની એસ.આર.પી રેસીડેન્સી ખાતે રહેતા ધોરણ 12 ના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા માટે કતારગામ વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં જવાનું હોવાથી ભારે વરસાદને કારણે આજુબાજુમાંના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી વિદ્યાર્થીએ પોલીસ મદદ માંગી હતી. જેથી લસકાણા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે પહોચીને વિદ્યાર્થીને સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.