સુરત જ્વેલર્સ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા ગભરાટ ન ફેલાવવા અનુરોધ
સરકારના નિયમોને અનુસરવાની તૈયારી જવેલર્સે દર્શાવી
સુરત જ્વેલર્સ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જવેલર્સ સંચાલકો હાજર રહ્યા. બેઠકમાં વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા ગભરાટ ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બજારમાં લોકો પાસે રહેલું ગોલ્ડ ફરી માર્કેટમાં કેવી રીતે લાવી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશને વડાપ્રધાનની અપીલને આવકારતા જણાવ્યું કે દેશહિતમાં લેવાયેલા દરેક નિર્ણય પાછળ ચોક્કસ રોડમેપ હોય છે અને જવેલર્સે સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ. સોનાની આયાત ડ્યુટી વધવા છતાં બજારમાં કોઈ ગભરાટની સ્થિતિ ઊભી ન થાય તે માટે જવેલર્સ મિત્રોને આશ્વાસન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સૂચન કરવામાં આવ્યું કે દેશના મંદિરો અને લોકો પાસે રહેલા સોનાને યોગ્ય સ્કીમ દ્વારા માર્કેટમાં લાવવામાં આવે તો રિસાયકલિંગ થકી આગામી એક વર્ષનો સમય સરળતાથી પસાર થઈ શકે. દેશ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આગળ રાખી સરકારના નિયમોને અનુસરવાની તૈયારી જવેલર્સે દર્શાવી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું કે આ પડકારજનક સમયમાં ગ્રાહકોને સંતોષ મળે અને જવેલર્સનો વેપાર પણ ટકી રહે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવશે.
